બૈજિંગઃ વિશ્વમાં એવા ઘણા પ્રાચીન ધર્મસ્થાનકો છે કે જેમની સાથે હજારો - લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ચીનમાં પણ આવું જ એક પ્રાચીન ધર્મસ્થાન છે કે જ્યાં બૌદ્વ ધર્મના અનુયાયીઓ માઉન્ટ ફેનજિંગની પૂજા કરે છે. આ ધર્મસ્થાનની ખાસ વાત એ છે કે ચીનની વુલિંગ પર્વતમાળા પર 8430 ફૂટની ઊંચાઇ પર આવેલું છે. ત્યાં બે નાના મંદિર બાજુ-બાજુમાં આવેલા બે શિખર પર બનેલા છે અને એક પુલના માધ્યમથી જોડાયેલા છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢના સિમાડે આવેલા સૈકાઓ પુરાણા આપણા ગિરિવર ગિરનારનાં 9999 પગથિયાં છે અને તેની સરખામણીએ આ પર્વતની ઊંચાઇ અને પગથિયા ઓછા ગણાય, પણ ગિરનારની સરખામણીએ અહીં ચઢાણ બહુ કપરું છે.
આ ધર્મસ્થાનો જ્યાં છે તે શિખરો રેડ ક્લાઉડ્સ ગોલ્ડન પીક તરીકે ઓળખાય છે. બંને ધર્મસ્થાનક બૌદ્વ ધર્મના 500 વર્ષ પુરાણા મંદિર છે અને મિંગ ડાયનેસ્ટીના શાસનકાળમાં બન્યાં હતાં. અહીં જે તસવીર રજૂ થઇ છે તે ધર્મસ્થાન ઉપરની ઊંચાઇએથી લેવાયેલો ફોટો છે, જેમાં બંને ધર્મસ્થાનોનો જોડતો પુલ પણ દેખાય છે.
મંદિર સુધી કઇ રીતે પહોંચાય?
આ જગ્યા પર પહોંચવા માટે શ્રદ્વાળુઓએ 8 હજાર પગથિયા ચઢીને ઉપર જવું પડે છે. બે પહાડીની ટોચે બે ધર્મસ્થાન છે.
એક ધર્મસ્થાનમાં વર્તમાનનું પ્રતિનિધિત્વ કરતા શાક્યિમુનીની પૂજા કરાય છે.
ક્ષેત્રમાં અંદાજે 50 મંદિર
શિખર પર બનેલા આ મંદિર પરથી આસપાસનો અત્યંત દુર્લભ નજારો જોવા મળે છે. ઇતિહાસકારોનું કહેવું છે કે આ ક્ષેત્રમાં બૌદ્વ ધર્મના સેંકડો મંદિરો હતો. જે 16મી સદીમાં નષ્ટ કરી દેવામાં આવ્યા. આ બે બૌદ્ધ ધર્મસ્થાન સિવાય પણ તે ક્ષેત્રમાં અંદાજે 50 ધર્મસ્થાન છે, પણ બે મંદિરની સુંદરતા નિહાળવા જ દુનિયાભરમાંથી ઘણા લોકો ત્યાં દર્શન કરવા જાય છે. હવે આ ધર્મસ્થાન એક જગજાહેર પર્યટન સ્થળ બની ગયું છે.
2018માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો
1978માં અહીં ફેનજિંગશાન નેશનલ નેચર રિઝર્વની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી તેને 1986માં યુનેસ્કો બાયોસ્ફીયર રિઝર્વ નામ અપાયું હતું. અને 32 વર્ષ બાદ - 2018માં તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો. આ પછી તો ધર્મસ્થાન દુનિયાભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ફેનજિંગશાન બૌદ્વ ધર્મના ચાઇનીઝ અનુયાયીઓ માટે એક અત્યંત પવિત્ર પર્વત છે, જે મૈત્રીય બુદ્વનો બોધિ મંદા મનાય છે. બૌદ્વ ધર્મમાં માઉન્ટ ફેનજિંગને બહુ શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે.