ચેક રિપબ્લિકના લુકા નામના ગામમાં કળા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. મોરાવિયન લોકકળાથી પ્રેરાઈને 90 વર્ષનાં આર્ટિસ્ટ અનેઝુકા કાસ્પાર્કોવાએ તેમની કળા થકી એક સામાન્ય ગામડામાં આત્મા ઉમેર્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી. તેમના હાથથી દોરવામાં આવેલી ઝીણવટભર્યા ફૂલોની પેટર્નને કારણે ગામડું નિખરી ઉઠ્યું છે. નાના બ્રશ અને અલ્ટ્રામરીન પેઈન્ટના ઉપયોગથી લુકા ગામ એક આર્ટ ગેલેરીથી કમ નથી લાગતું. ખેતીકામ કરતા અનેઝુકાએ ઘણા સમય પહેલા સ્થાનિક મહિલા પાસેથી પેઈન્ટ કરવાનું શીખ્યું હતું. આજે તેમના સેવાકાર્યને મેરી જાગોસોવાએ આગળ વધાર્યું છે. મેરીનું કહેવું છે કે, અનેકાઝુ, અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાલ્ડો એમર્સનના શબ્દોથી પ્રેરાયા હતા. રાલ્ફ વાલ્ડો એમર્સને જીવન જીવવાની કળા વિશે કહ્યું હતું કે, ‘હંમેશા હસતા રહેવું, બુદ્ધિશાળી લોકોનો આદર કરવો, બાળકોનો સ્નેહ, પ્રામાણિક વિવેચકો તરફથી પ્રશંસા અને ખોટા મિત્રોના વિશ્વાસઘાતને સહન કરવાની શક્તિ, સુંદરતાની કદર કરવી, અન્યમાં શ્રેષ્ઠની શોધ, દુનિયાને સ્વસ્થ બાળક, નાના બગીચા અથવા સારી સામાજિક સ્થિતિ સાથે છોડવી અને તમારી જિંદગીથી એક પણ જીવન સરળ બન્યું હોય તો જાણવું કે, તમે સાચા અર્થમાં સફળ થયા છો.’ અનેકાઝુ કાસ્પાર્કોવાએ મહાન વિચારકના શબ્દોને આત્મસાત કરીને સાચો માર્ગ ચિંધ્યો છે.