91 વર્ષના મીડિયા મુઘલ મર્ડોક ચોથી વાર છૂટાછેડા લેશે

Saturday 02nd July 2022 07:04 EDT
 
 

વોશિંગ્ટન: મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોક 91 વર્ષની વયે મોડેલ અને અભિનેત્રી પત્ની જેરી હોલ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ તેમના ચોથા છૂટાછેડા હશે. બંને પોતાના છ વર્ષ જૂના લગ્નસંબંધો તોડવા જઈ રહ્યા છે. મર્ડોકે 85 વર્ષની વયે 2016માં 65 વર્ષની મોડેલ જેરી હોલ સાથે લગ્ન કર્યા હતા.
જેરી સાથે મર્ડોકના આ ચોથા લગ્ન હતા. તેમના પ્રથમ લગ્ન પેટ્રિસિયા બુકર સાથે થયા હતા. આ લગ્નસંબંધો 1956થી 1967 સુધી નભ્યા હતા. તે પછી મર્ડોકે અન્ના મારિયા ટોર્વ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સંબંધો 1967થી 1999 સુધી ટક્યા હતા. 1999માં મર્ડોકે વેન્ડી ડેન્ગ સાથે લગ્ન કર્યા હતા. તે લગ્ન 2013 સુધી ટક્યા હતા. જેરી હોલ સાથે 2016માં ચોથા લગ્ન કર્યા હતા.

અભિનેત્રી જેરી હોલ બેટમેન, ધ ગ્રેજ્યુએટ જેવી હોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મર્ડોક પહેલા જેરી હોલ રોકસ્ટાર અને સિંગર મિક જેગર સાથે લગ્ન કર્યા હતા. જેરી હોલ અને મર્ડોક તેમના અલગ અલગ લગ્નોથી 10 સંતાન ધરાવે છે.
ફોક્સ ન્યૂઝ ચેનલની પેરન્ટ કંપની ન્યૂઝકોર્પના સીઇઓ અને ચેરમેન મર્ડોકે ચોથા લગ્ન કર્યા ત્યારે ખુશી જાહેર કરી હતી. એ સમયે તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ‘આગામી 10 દિવસ સુધી કોઈ ટ્વિટ નહીં કરું. હું વિશ્વનો સૌથી નસીબદાર અને ખુશ માનવી હોઉં તેવો અહેસાસ કરી રહ્યો છું.’ ઉલ્લેખનીય છે કે મર્ડોક અને જેરી હોલ દ્વારા લગ્નવિચ્છેદ અંગેની હજી જાહેરાત નથી થઈ. ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને પત્ની મિલીન્ડા ફ્રેન્ચ ગેટ્સે પણ છૂટાછેડા લેવા નિર્ણય લીધો હતો. તે ઉપરાંત જેફ બેજોસ અને મેકન્ઝીના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter