નવી દિલ્હીઃ અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના નામ ઉડીને આંખે વળગે છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ઈન્ફોસિસના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન નંદન નિલેકણી જેવી ભારતીય હસ્તીઓને સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત માઇક્રોસોફ્ટ રિસર્ચ ઇન્ડિયાનાં હેડ કલિકા બાલી, OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન અને NVIDIAના સીઈઓ જેન્સેન હુઆંગ, પ્રોટોનના પ્રોડક્ટ લીડ અનંત વિજયસિંહ અને એમેઝોનના આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સના ચીફ સાયન્ટિસ્ટ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રોહિત પ્રસાદે પણ ‘ટાઈમ’ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
મોદી સરકારના પ્રધાન અશ્વિની વૈષ્ણવની કાર્યપદ્ધતિની પ્રશંસા કરતાં મેગેઝિને લખ્યું છે કે તેમના નેતૃત્વમાં ભારત આવનારા પાંચ વર્ષમાં AI સિસ્ટમ માટેના મુખ્ય ઘટક એવા સેમિકંડક્ટરના નિર્માણમાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવી શકે છે. ભારતમાં ઘણા સ્થળોએ સેમિકંડક્ટરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે.
અનિલ કપૂરની પ્રશંસા કરતા ‘ટાઈમ’ મેગેઝિને લખ્યું છે કે તેમણે તેમની તસવીરના અનધિકૃત AI ઉપયોગ મામલે ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી, જેણે અન્ય લોકો માટે પણ પોતાના વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષાનો રસ્તો ખોલ્યો છે. હાઈકોર્ટે 16 કંપનીઓને સંમતિ વિના તેમના નામ, અવાજ, ફોટો કે અન્ય વ્યક્તિગત વિશેષતાઓનો ઉપયોગ કરતી રોકવા આદેશ જારી કર્યો હતો.
નંદન નિલેકણી અંગે મેગેઝિને લખ્યું છે કે તેમણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવા સરકારમાં અને સરકાર બહાર રહીને 15 વર્ષથી વધુ સમય ખર્ચો છે.