ન્યૂજર્સીઃ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (GOPIO-North Jersy)ના નોર્થ જર્સી ચેપ્ટર દ્વારા ૫ નવેમ્બર, ૨૦૧૭ને રવિવારે 'ભારત - અમેરિકા સંબંધો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે' તે વિષય પર ન્યૂ જર્સીના વેનમાં જ્યોતિ રેસ્ટોરાંમાં સેમિનાર યોજાયો હતો. તેમાં ન્યૂજર્સી સ્ટેટ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર અને સેનેટર સહિત ૬૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
GOPIO-North Jersy ચેપ્ટરના પ્રમુખ રાજુલ શાહે સ્વાગત પ્રવચનમાં ભારત - અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા વિશે તેમજ સાર્થક મંત્રણાના મહત્ત્વ વિશે માહિતી આપી હતી.
GOPIO ઈન્ટરનેશનલના સ્થાપક અને ચેરમેન થોમસ અબ્રાહમે સેમિનારનું સંચાલન કર્યું હતું અને વક્તાઓનો પરિચય આપ્યો હતો. વિલિયમ પેટર્સન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર તરીકે કાર્યરત પ્રો. માયા ચડ્ડાએ જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના શાસનમાં થયેલા નીતિગત ફેરફારોથી ખાસ કરીને આતંકવાદ અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાના મુદ્દે અમેરિકા ભારતને મદદરૂપ બની રહ્યું હોવાનો વિશ્વાસ દ્રઢ બન્યો છે.
બીજા વક્તા NPZ લો ફર્મના ઈમિગ્રેશન એટર્ની ડેવિડ નેચમેને તાજેતરમાં અમેરિકા દ્વારા H1B વિઝા આપવાનું અટકાવી દેતા તેની ભારત અને અમેરિકાની હાઈ ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીઝ પર થઈ રહેલી ગંભીર અસરની ચર્ચા કરી હતી.
GOPIO ઈન્ટરનેશનલના ઉપપ્રમુખ રામ ગઢવીએ GOPIO-North Jersy ચેપ્ટર દ્વારા હાથ ધરાયેલી સંખ્યાબંધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
GOPIO ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના સહ અધ્યક્ષ પ્રકાશ શાહે રાજકીય અગ્રણીઓનો પરિચય આપ્યો હતો. અંતમાં GOPIO ઈન્ટરનેશનલના ઉપપ્રમુખ ધનંજય દેસાઈએ આભારવિધિ કરી હતી.