ઓટાવા: અમેરિકાના H-1B વિઝાધારકો માટે કેનેડા સરકારે મોટું પગલું ભર્યું છે. હવે કેનેડા સરકાર દ્વારા અમેરિકન H-1B વિઝાધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપવા માટે ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ તૈયાર કરવામાં આવશે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે આ જાહેરાત કરી છે. સત્તાવાર અહેવાલ અનુસાર કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ હેઠળ H-1B વિઝાધારકોના પરિવારના સભ્યોને પણ વર્ક પરમિટ પ્રદાન કરાશે. કેનેડા સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર નવા નિર્ણય હેઠળ જે અરજદારની પસંદગી કરવામાં આવશે તેને ત્રણ વર્ષ માટે ઓપન વર્ક પરમિટ આપવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકન વિઝાધારકોને કેનેડામાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ કંપની માટે કામ કરી શકશે. પરિવારના સભ્યો જેવા કે પતિ-પત્ની અને આશ્રિત પણ પોતાની જરૂરિયાત અનુસાર કામ અથવા શિક્ષણ પરમિટ સાથે અસ્થાયી નિવાસી વિઝા માટે અરજી કરવા પાત્રતા ધરાવશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના H-1B વિઝા વિદેશી નાગરિકોને ટેકનોલોજી સેક્ટર સહિત કેટલાક ખાસ વ્યવસાયોમાં અસ્થાયી રૂપથી અમેરિકામાં કામ કરવાની અનુમતિ આપે છે. કોરોનાકાળ દરમિયાન ટેકનોલોજી કંપનીઓ દ્વારા મોટાપાયે ભરતી કરવામાં આવી હતી. જોકે કોરોનાકાળ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી પાણીચું પણ આપી દેવામાં આવ્યું હતું. તેને પગલે H-1B વિઝાધારકોને નવી નોકરીમાં ભારે મુશ્કેલી આવી છે.
પ્રતિભાશાળી લોકો માટે કેનેડાના દ્વાર ખૂલશે
ઇમિગ્રેશન મિનિસ્ટર ફ્રેઝરે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કેનેડા સરકાર ટેક્નોલોજી કંપનીમાં કામ કરવા કેનેડા આવવા માગતા પ્રતિભાશાળી લોકો માટે ઇમિગ્રેશન સ્ટ્રીમ વિકસિત કરશે. જોકે ઇમિગ્રેશન મિનિસ્ટરે હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે આ ઇમિગ્રેશન સ્ટ્રીમ માટે કોણ પાત્ર હશે અને કુલ કેટલા લોકોને આ સ્ટ્રીમમાં પ્રવેશ આપવામાં આવશે.