નવી દિલ્હી: કાબુલ એરપોર્ટ પર ISIS-K આતંકીઓના આત્મઘાતી હુમલા બાદ બહાર આવેલી વિગતોએ ભારતની ચિંતા વધારી છે. અહેવાલ મુજબ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને બગરામ જેલમાંથી જે કેદીઓને છોડયા છે તેમાં કેરળના ૧૪ કેદી સામેલ છે અને તેઓ કથિતરૂપે જેલમુક્ત થયા બાદ આઈએસઆઈએસ-કે સાથે જોડાઈ ગયા છે.
કાબુલ પર હજુય આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે અને એવી સંભાવના છે કે હુમલાના કાવતરામાં કેરળના ૧૪ જેદાહીઓ પણ આતંકી સંગઠન વતી સામેલ છે. ૨૬મી ઓગસ્ટે કાબુલમાં તુર્કમેનિસ્તાનના દૂતાવાસ બહાર આઈઈડી વિસ્ફોટનો પ્રયાસ કરાયો હતો. આ હુમલાને નિષ્ફળ બનાવાયો હતો અને તેમાં ઝડપાયેલા બે આતંકી પાકિસ્તાની હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ બગરામ જેલમાંથી છૂટેલા કેરળના ૧૪ કેદીઓ જેહાદીઓમાં એકે કેરળ ખાતે પોતાના ઘરનો સંપર્ક કર્યો હતો. જ્યારે બાકીના ૧૩ હાલ કાબુલમાં ISIS-Kના છત્ર હેઠળ છે. આઇએસઆઈએસ-કે સાથે જોડાવા કેરળથી ગયેલા ૧૪ શખસ મલપ્પુરમ, કાસરગોડ અને કન્નૂરના હોવાનું સામે આવ્યું છે. એવી સંભાવના છે કે આતંકી સંગઠન કાબુલમાં વિદેશીઓ પર આ જેહાદીઓ દ્વારા આતંકી હુમલા કરાવી ભારતને આતંકવાદ મામલે બદનામ કરવાનું કાવતરું ઘડી શકે છે.
ભારતમાં જેહાદની યોજના
ભારતના ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા ૨૬ ઓગસ્ટે થયેલા વિસ્ફોટો માટે જવાબદાર ISIS-K (આઇએસઆઇએસ-ખોરાસન) ભારતમાં પણ જેહાદી પ્રવૃત્તિ કરવાની નેમ ધરાવે છે.
વર્ષ ૨૦૧૪માં પૂર્વ અફઘાનિસ્તાનમાં પગપેસારો કરનારું આ સંગઠન તેની ક્રૂરતા માટે કુખ્યાત છે. પાકિસ્તાન તાલિબાનો પર ત્રાટકતાં અફઘાનિસ્તાન ભાગીને જતાં રહેલા તાલિબાનો દ્વારા આ અલગ જૂથની રચના કરવામાં આવી હતી.
પોતાનું નામ જાહેર કરવા ના ઇચ્છતા સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ ઇસ્લામિક સ્ટેટ ખોરાસન નામનું આ સંગઠન અફઘાનિસ્તાનમાં પગ મજબૂત કર્યા પછી મધ્ય એશિયા અને ભારતમાં પણ જિહાદની નિકાસ કરવાનો ઇરાદો ધરાવે છે. આ સંગઠન યુવાન લોકોની ભરતી અને ત્રાસવાદી હુમલા જેવા એજન્ડાને અગ્રિમતા આપી રહ્યું છે. તેઓ પોતાની આગવી ખિલાફત ઊભી કરવા માંગે છે અને ભારતને તેમાં સમાવવા માંગે છે.
સૂત્રોએ જણાવ્યું કે કેરળ અને મુંબઇના યુવાનો આ સંગઠનમાં સામેલ થઇ ચૂક્યા છે. સંગઠન યુવાનોને કટ્ટરપંથી બનાવે છે. આ સંગઠનની યુવાનોની ભરતીની યોજના વિષે ચિંતા સેવતાં સૂત્રોએ જણાવ્યું હતું કે સંગઠન ભારતમાં અનેક એકમોને સક્રિય કરી શકે છે.