ISISના ૨૨,૦૦૦ આતંકીઓની ઓળખ જાહેર

Friday 11th March 2016 06:38 EST
 
 

લંડનઃ આઈએસઆઈસમાં ભરતી થયેલા ૨૨,૦૦૦ આતંકવાદીઓની ઓળખ જાહેર થઈ છે. જર્મનીના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે આ તમામ આતંકીઓના પર્સનલ ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે, જેમાં ભરતીફોર્મનો સમાવેશ થાય છે. આ ફોર્મમાં લગભગ ૨૩ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ આતંકી સંગઠનમાં સૌથી વધારે લોકો સાઉદી અરબનાં છે.

બ્રિટનની એક ટીવી ચેનલે દાવો કર્યો છે કે, તેને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા લગભગ ૨૨,૦૦૦ આતંકીઓનાં નામ, સરનામાં, ફોન નંબર અને પરિવારજનોનાં સરનામાંની માહિતી મળી છે. આ ચેનલનો દાવો છે કે આઈએસના એક ભૂતપૂર્વ સભ્ય પાસેથી તેને આ દસ્તાવેજો એક મેમરી સ્ટિકનાં માધ્યમથી મળ્યાં છે. આ મેમરી સ્ટિકને આતંકી સંગઠનની આંતરિક સુરક્ષાના પ્રમુખ પાસેથી ચોરવામાં આવી છે. ન્યૂઝ ચેનલે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે, તેને આ વિશે અધિકારીઓએ માહિતી આપી છે. જોકે, બ્રિટનના ગૃહ કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ નિવેદન મળ્યું નથી.

દસ્તાવેજમાં કથિત રીતે ઉત્તર યુરોપ, અમેરિકા, કેનેડા, નોર્થ આફ્રિકા અને મિડલઇસ્ટના એવા જેહાદીઓની માહિતી છે જેના વિશે આ પહેલાં ક્યારેય જાણકારી નહોતી. બ્રિટિશ ગુપ્તચર એજન્સી એમઆઈ-૬ના પૂર્વ ગ્લોબલ ટેરરિઝમ આપરેશન્સ ડાયરેક્ટર રિજર્ડ બેરેટે કહ્યું કે, આ રેકોર્ડ્ઝ આઈએસ સાથે જોડાયેલાં લોકો અંગે ખૂબ મહત્ત્વનો સાબિત થશે. આ દસ્તાવેજો અબુ હામિદ નામની એક વ્યક્તિ પાસેથી મળ્યાં છે. અબુ ફ્રી સિરિયન આર્મીનો સભ્ય હતો, જે પછીથી આઈએસઆઈએસમાં જોડાયો હતો. તેણે દસ્તાવેજવાળી મેમરી સ્ટિક ચોરીને તૂર્કીના પત્રકારને આપી હતી. તેનું કહેવું છે કે સંગઠનમાં ઇસ્લામિક કાયદાઓનો સત્યાનાશ થઈ રહ્યો છે.

ઇસ્લામિક સ્ટેટમાં ભરતી પહેલાં ૨૩ પ્રશ્નો પુછાય છે

એક બ્રિટિશ ચેનલે પોતાના પ્રસારણમાં દર્શાવ્યું હતું કે, આઈએસમાં ભરતી માટે ઇચ્છુક લોકોને ૨૩ પ્રશ્નોના જવાબ આપવા પડે છે, જેમાં તેમની રાષ્ટ્રીયતા, જન્મતારીખ, કોડનેમ, બ્લડગ્રૂપ, માતાનું લગ્ન પહેલાંનું નામ, શરિયા કાયદાની સમજણ અને છેલ્લા અનુભવ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલા દેશની મુલાકાત લીધી છે? હાલમાં ક્યાં કામ કરો છો અને કોણે ભલામણ કરી છે? એવા પ્રશ્નો પણ પુછાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter