મોસ્કો: સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડી રહેલા રશિયાના એક સૈનિકે ગજબની બહાદુરી દેખાડી શહીદી વહોરી છે. આતંકવાદીઓ વચ્ચે ઘેરાઈ ગયેલા આ સૈનિકે પોતાની વીરતા અને સાહસનો પરિચય આપતાં વોરપ્લેનને પોતાના પર જ હવાઈ હુમલા કરવા જણાવ્યું હતું, જેનાથી તેની સાથે આતંકવાદીઓનો પણ સફાયો થઈ જાય.
૨૫ વર્ષનો રશિયન જવાન એલેક્ઝાન્ડર પ્રોખોરેન્કો આતંકવાદીઓના વિસ્તારમાં ફસાઈ ગયો હતો. ચારે તરફથી આતંકવાદીઓએ ઘેરી લેતાં તેની પાસે બચવાનો કોઈ માર્ગ નહોતો ત્યારે તેણે પોતાનું જ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. એલેક્ઝાન્ડરે આતંકવાદીઓને જેર કરવા માટે રશિયાનાં યુદ્ધવિમાનોને પોતાનાં લોકેશન પર જ બોમ્બમારો કરવા જણાવ્યું હતું. યુદ્ધવિમાનોએ તેનાં લોકેશન પર બોમ્બ વરસાવી આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. સ્પેશિયલ ફોર્સનો આ સૈનિક સીરિયાનાં પ્રાચીન શહેર પાલમીરામાં ગુપ્ત અને અત્યંત મુશ્કેલ મિશન પર હતો.