મુંબઈ: નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (એનઆરઆઈ) ખાતામાં ફલો વધારવાના ભાગરૂપે જુલાઇ 2022ના રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ હાથ ધરેલા પગલાં બાદ એનઆરઆઈસ ડિપોઝિટસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય અશાંતિ વચ્ચે બિનનિવાસી ભારતીયો ભારતમાં જ નાણાં રોકવાનું સલામત માની રહ્યાનું જણાય છે.
નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (એનઆરઆઈસ) ડિપોઝિટસમાં નાણાંનો પ્રવાહ વર્તમાન વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં વાર્ષિક ધોરણે બમણો રહીને 6.11 બિલિયન ડોલર રહ્યો છે જે ગયા વર્ષના આ ગાળામાં 3.05 બિલિયન ડોલર હતો. આ ઉપરાંત ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર)માં પણ 2.06 બિલિયન ડોલરનો ઈન્ફલોઝ રહ્યો છે જે ગયા વર્ષના આ ગાળામાં 81.40 કરોડ ડોલરનો આઉટફલોઝ રહ્યો હતો. ગયા વર્ષના જુલાઈમાં રિઝર્વ બેન્કે એફસીએનઆર (બી) તથા એનઆરઈ ડિપોઝિટસ માટે વ્યાજ દરની મર્યાદા હળવી કરી હતી. દેશમાં ડોલરનો પ્રવાહ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક સતત પગલાં લઇ રહી છે.
પ્રમાણમાં ઊંચા વ્યાજ દરોને પરિણામે બિનનિવાસી ભારતીયો સ્વદેશના ઋણ સાધનો તરફ આકર્ષાઈ રહ્યાનું એક નિષ્ણાતે જણાવ્યું હતું. અમેરિકન બેન્કોમાં ત્રણથી સાડાત્રણ ટકા વળતર સામે ભારતની બેન્કોમાં પાંચથી છ ટકા વળતર છૂટી રહ્યું છે. ભારતમાં એનઆરઆઈની મોટી માત્રાની ડિપોઝિટસ અખાતી દેશોમાંથી પણ આવે છે. અખાતની બેન્કોમાં પણ આકર્ષક વળતર જોવા મળતું નથી.
કોરોના બાદ ભારતના કર્મચારીઓ ફરી વિદેશમાં કામ કરવા ચાલી જતા તેને કારણે પણ એફસીએનઆર (બી) ઈન્ફલોઝમાં વધારો થયો છે.