નવી દિલ્હીઃ ભારત સરકારે વિદેશમાં વસતાં સગાંઓ દ્વારા ભારતીયોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ગિફ્ટ સ્વરૂપે દેવાની છૂટ આપી છે. તેઓ ભારતમાં રહેતા સગાઓને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ગિફ્ટ આપી શકશે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની આયાતને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા તેને કસ્ટમ્સ ડયુટીમાં માફી અપાઈ છે. આ છૂટછાટ ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. દેશમાં ઓક્સિજનની અછત સર્જાયા પછી આ નિર્ણય લેવાયો છે. આમ હવે વ્યક્તિગત ઉપયોગ માટે પણ લોકો ગિફ્ટ સ્વરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની આયાત કરી શકશે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ એવું સાધન છે કે જે આસપાસની હવામાં રહેલા ઓક્સિજનને એકઠો કરીને દર્દીનાં શરીરમાં પ્રાણવાયુ સ્વરૂપે પહોંચાડતો રહે છે.
સરકારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ઉપરાંત મેડિકલ ઓક્સિજન, ઓક્સિજન કેનિસ્ટર, સ્ટોરેજ ટેન્ક, ઓક્સિજન જનરેટર્સ તેમજ ઓક્સિજનનું ઉત્પાદન કરતા કોઈ પણ ડિવાઈસ અને કેટલીક ચીજો પરની કસ્ટમ્સ ડયુટી માફ કરાઈ છે.