નવી દિલ્હીઃ ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય અને પોતાને નોન રેસિડેન્ટ જાહેર કરે તેમના PPF એકાઉન્ટ બંધ થયેલાં ગણવામાં આવશે અને તેમને તે સમયગાળા સુધીનું જ વ્યાજ મળી શકશે. અત્યાર સુધી એનઆરઆઈ સહિત કોઈ પણ ખાતાધારક ખાતું ખોલાવ્યા પછી ૧૫ વર્ષ સુધી આ એકાઉન્ટ ચલાવવા સક્ષમ ગણાતો હતો.
જો કોઈ વ્યક્તિ પોતાનું સ્ટેટસ બદલીને એનઆરઆઈ કરી નાખશે તો મેચ્યોરિટી પહેલાં જ તેના એનએસસી અને પીપીએફ ખાતાં બંધ કરી દેવામાં આવશે. આમ જોવા જઈએ તો આ સુધારો પીપીએફ સ્કીમ ૧૯૬૮માં જ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે તાજેતરમાં જ એક વટહુકમ જારી કરીને જણાવાયું હતું કે, પીપીએફ ખાતું ખોલાવનાર વ્યક્તિ જો મેચ્યોરિટી પહેલાં એનઆરઆઈ બની જાય તો તેનો એકાઉન્ટ નંબર બંધ કરી દેવામાં આવે છે. ખાતાધારકને તેનું ખાતું બંધ થયાની તારીખ સુધીનું જ વ્યાજ મળશે.
ભારતમાં પીપીએફ સ્કીમ ૧૯૬૮માં શરુ કરાઈ છે, જે તેના આકર્ષક વ્યાજ અને રોકાણને આવકવેરા માફીના કારણે લાભકારી ગણાય છે. સુધારામાં વધુ સ્પષ્ટતા કરાઈ છે કે બીનનિવાસી ભારતીય બન્યાની સદર તારીખથી PPF એકાઉન્ટ સામાન્ય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ફેરવાઈ જશે. આ સેવિંગ્સ એકાઉન્ટ પર હાલ ચાર ટકાનું વ્યાજ મળે છે.