અમદાવાદઃ કેન્દ્ર સરકારે NRI માટે ભારતીય નાણાના એક્સચેન્જની કોઈ પ્રકારની વ્યવસ્થિત વ્યવસ્થા કરી નથી. આમ, એક અંદાજ અનુસાર નોટબંધી બાદ એનઆરઆઇની રૂપિયા આઠ હજાર કરોડની ચલણી નોટ હવે રદી સમાન બની ગઈ છે. યુનાઇટેડ નેશન્સના વર્ષ ૨૦૧૫ના અહેવાલ અનુસાર વિશ્વના અલગ-અલગ દેશોમાં એનઆરઆઇની વસતી ૧.૬૦ કરોડથી વધારે છે. આ પ્રત્યેક એનઆરઆઇ સરેરાશ રૂપિયા પાંચ હજારનું ભારતીય ચલણ પોતાની પાસે એટલા માટે રાખે છે કે કેમ કે કોઈ ઇમરજન્સીમાં ભારત આવવાનું થાય તો તેમને સમસ્યા નડે નહીં. એનઆરઆઇને ભારત પહોંચતાં જ એરપોર્ટથી રિક્ષા, ટેક્સીથી હોટેલ-ઘરે પહોંચવા કે અન્ય પરચૂરણ ખર્ચ માટે આ રોકડ રકમ ઉપયોગી પુરવાર થતી હોય છે. સરેરાશ રૂપિયા પાંચ હજારને વધારે ગણતરી કરવામાં આવે તો આ ચલણી નોટ અંદાજે રૂપિયા આઠ હજાર કરોડની છે તેમ કહી શકાય. આ રકમ કાળું નાણું કે ગેરકાયદે નહીં હોવા છતાં તે હવે રદ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એક્સચેન્જ ગેટની વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાને લીધે આ નાણું ભારતીય બેન્ક સિસ્ટમ સુધી પણ પહોંચી શકશે નહીં. આ ઉપરાંત મોટાભાગની એલચી કચેરીઓએ પણ જૂની ચલણી નોટ એક્સચેન્જ કરાવવાના મામલે પોતાના હાથ ઊંચા કરી દીધા છે. વર્ષ ૨૦૧૫માં અમેરિકામાં સૌથી વધુ ૩૨ લાખ એનઆરઆઇ છે. ઇંગ્લેન્ડમાં ૧૪.૫૨ લાખ, અન્ય યુરોપિયન દેશમાં ૧૮ લાખ, મિડલ ઇસ્ટમાં ૪૨ લાખ, એશિયાના અન્ય દેશમાં ૧૧ લાખ, ઓસ્ટ્રેલિયામાં ચાર લાખ જેટલા એનઆરઆઇ છે.