નવી દિલ્હી: ઇરાને પર્શિયન ગલ્ફમાં શોધાયેલા મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેશી કંપનીની સરખામણીએ ઘર-આંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે. તેવા અહેવાલ છે.
ભારત સરકારની માલિકીની કંપની ઓએનજીસીની વિદેશી પેટાકંપની ઓએનજીસીએ ૨૦૦૮માં પારસી ઓફશોર એક્સપ્લોરેશન બ્લોકમાં મહાકાય ગેસ ફિલ્ડની શોધ કરી હતી. આ શોધખોળ પાછળ ઓએનજીસીએ રૂ. ૩૦૦૦ કરોડ ખર્ચ્યા હતાં.
ઇરાને કોન્ટ્રાક્ટ માટે વર્ષો રાહ જોવડાવી
ઓવીએલ અને તેના ભાગીદારોએ આ શોધને વિકસાવવા માટે ૧૧ અબજ ડોલરનું રોકાણ કરવાની ઓફર કરી હતી, જેને પાછળથી ફરઝાદ-બી નામ આપવામાં આવ્યું હતું. ઓવીએલની આ દરખાસ્ત પર વિચારણા પાછળ વર્ષોનો સમય લઇને નેશનલ ઇરાનિયન ઓઈલ કંપનીએ ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ઓવીએલને માહિતી આપી હતી કે તેઓ કોઈ ઈરાનિયન કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવાનો ઇરાદો ધરાવે છે.
ફિલ્ડમાં ૨૧.૭ ટ્રિલિયન ક્યુબિક ફિટ ગેસ
ફરઝાદ-બી ગેસ ફિલ્ડ કુલ આશરે ૨૧.૭ ટ્રિલિયન ક્યુબિક ફીટની અનામતો ધરાવે છે જેમાંથી આશરે ૬૦ ટકા રિકવર કરી શકાય તેમ છે અને તેમાંથી રોજના ૧.૧ બિલિયન ક્યુબિક ફિટનું ઉત્પાદન થઈ શકે તેમ છે. ૩૫૦૦ સ્ક્વેર કિ.મી.નો ફારસી બ્લોક પર્શિયન ગલ્ફના ઇરાનિયન કિનારા પાસે ૨૦-૯૦ મીટરની ઊંડાઈ પર છે.