નવી દિલ્હી: કેનેડાની સેનામાં હવે પરમેનન્ટ સ્ટેટસ ધરાવતાં ઇમિગ્રન્ટ્સ ભારતીયો પણ સામેલ થઈ શકશે. કેનેડા સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેના દેશમાં સ્થાયી નિવાસીનો દરજ્જો ધરાવતાં લોકો પણ હવે સેનામાં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે કેનેડામાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. કેનેડાની આ જાહેરાત બાદ હવે ભારતીય મૂળના લોકો માટે કેનેડાની સેનામાં સામેલ થવાનો માર્ગ મોકળો થયો છે. કેનેડાની સેનામાં હજારો પદ ખાલી પડેલાં છે અને ભરવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે. રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઈન્સ્ટિટયૂટ ઓફ નોવા સ્કોટિયા નામની એનજીઓ અનુસાર અગાઉ પીઆર સ્ટેટસ ધરાવતાં ઇમિગ્રાન્ટ્સ ફક્ત કુશળ સૈન્ય વિદેશી એપ્લિકાન્ટ (SMFA) પ્રવેશ કાર્યક્રમ હેઠળ જ પાત્ર હતાં. તેમા એવા વ્યક્તિઓને ભરતી કરવામાં આવતાં હતાં જેને પગલે ટ્રેનિંગ કોસ્ટમાં ઘટાડો થાય અથવા તો કોઈ ખાસ કામગીરી પૂર્ણ થતી હોય. જેમાં ટ્રેઇન્ડ પાઇલટ અથવા ડોક્ટર્સનો સમાવેશ કરાતો હતો. કેનેડાની સેનામાં મહિલાઓની હિસ્સેદારી ફક્ત 16.3 ટકા છે.