એસ.એસ. રાજમૌલીની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ RRRના સુપરહિટ સોંગ ‘નાટુ નાટુ...’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. ‘નાટુ નાટુ...’ સોંગ ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર એમ.એમ. કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે, ચંદ્ર બોઝે લખ્યું છે અને કાલ ભૈરવ તથા રાહુલ સિપલીગુંજે ગાયું છે. ગોલ્ડન ગ્લોબ ટ્રોફી કીરાવાનીએ સ્વીકારી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ઓસ્કર પછી બીજા ક્રમે ટોચના એવોર્ડઝ ગણાતા હોવાથી હવે ઓસ્કરની રેસમાં RRR બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. આ સિદ્ધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય ફિલ્મજગત હસ્તીઓએ રાજામૌલીની ટીમ પર અભિનંદન વરસાવ્યા છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્રત્યેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. તો ‘જય હો’ ગીત માટે ઓસ્કર મેળવી ચુકેલા સંગીતકાર એ. આર. રહેમાને કહ્યું હતું કે આ ભારતીય ફિલ્મ સંગીત માટે યુગ કરવટ લઈ રહ્યો છે.
બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં ‘નાટુ નાટુ...’ સોંગ ટેલર સ્વિફ્ટ, લેડી ગાગા અને રિહાન્ના સહિતના સિંગર્સના સોંગ્સ સાથે સ્પર્ધામાં હતું. રામ ચરણ, જુનિયર એન.ટી.આર, આલિયા ભટ્ટ અને અજય દેવગન સ્ટારર RRR ફિલ્મ ગત માર્ચમાં રિલીઝ થઈ હતી. કોમરામ ભીમ તથા અલુરી સીતારામ રાજુનાં પાત્રો પરથી ભારતના સ્વતંત્રતા સંગ્રામના અરસામાં બનેલી ઘટનાની વાર્તા કહેતી RRR સમગ્ર વિશ્વમાં રૂ. 1200 કરોડ ઉપરાંતનો બિઝનેસ કરી ચુકી છે. આ ફિલ્મ વિદેશમાં પણ વખણાઈ છે અને અનેક હોલીવૂડ સેલિબ્રિટીઓ તેની પર ઓવારી ગઈ છે. હવે આ ફિલ્મને બહુ પ્રતિક્ષિત વૈશ્વિક સન્માનો પણ મળી રહ્યાં છે. જેમાં અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિરૂપે ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝમાં બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં તેને ઈનામ જાહેર કરાયું હતું. આ એવોર્ડમાં RRR બેસ્ટ ઓરિજિનલ ફોરેન ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટ થઈ હતી. જોકે આ એવોર્ડ ‘આર્જેન્ટિના 1985’ને ફાળે ગયો હતો. જ્યારે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ સ્ટીવન સ્પીલબર્ગની ‘ધી ફેબલમેન્સ’ને મળ્યો હતો.
રિહાન્નાની ફ્લાઇંગ કિસ, રાજમૌલીનો મલકાટ
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનો એક મજેદાર વીડિયો વાઇરલ થયો છે. આ એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં ‘નાટુ નાટુ...’ સોંગે એવોર્ડ જીત્યો તે કેટેગરીમાં રિહાના, ટેલર સ્વિફટ અને લેડી ગાગાના સોંગ પણ સ્પર્ધામાં હતા. વીડિયોમાં રિહાના એવોર્ડ ફંક્શનમાંથી બહાર નીકળતી વખતે RRRની ટીમને ફલાઇંગ કિસ આપતી જોવા મળે છે અને ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલી મલકાતા દેખાય છે.
RRR ટીમનું સેલિબ્રેશન
આ ઇવેન્ટના અન્ય એક વીડિયોમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં ‘નાટુ નાટુ...’ સોંગ વિનર જાહેર થતાં જ રાજમૌલી, રામચરણ અને જુનિયર એન.ટી.આર. ખુશીથી ઝૂમી ઊઠતા દેખાય છે. જીત પર રાજમૌલી ટ્વિટ પણ કરી ચૂક્યા છે, જેમાં તેમણે માત્ર ‘સ્પીચલેસ’ શબ્દ લખ્યો છે. શેખર કપૂરે પણ RRRની ટીમને અભિનંદન આપતું ટ્વિટ કર્યું હતું.