SCO સમિટમાં જિનપિંગ - ઈમરાન સામે મોદીઃ અમે આતંક વિરુદ્ધ, એકબીજાની અખંડતાનું સન્માન જરૂરી

Tuesday 10th November 2020 14:49 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ મંગળવારે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ્સની ૨૦મી બેઠક સંબોધિત કરી હતી.
ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ સંગઠનમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. સંગઠનની સ્થાપના ૧૫ જૂન, ૨૦૦૧ના રોજ શાંઘાઈમાં થઈ હતી. ભારત અને પાકિસ્તાન ૨૦૧૭થી સંગઠન સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન, બેલારૂસ, ઈરાન અને મંગોલિયા SCOના નિરીક્ષક દેશોમાં સામેલ છે.
આ વખતે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠકમાં મોદીએ કહ્યું કે, અમે હંમેશા આતંકવાદ, ગેરકાયદે હથિયારની ચોરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. SCOમાં નક્કી કરાયેલા સિદ્ધાંતો સાથે કામ કરવા માટે ભારત હંમેશા તૈયાર જ રહ્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં મોદીએ કહ્યું કે, આ કમનસીબી છે કે SCOના એજન્ડામાં દ્વિપક્ષીય મુદ્દાઓને લાવવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે. આ SCO ચાર્ટર અને શંઘાઈ ભાવનાનું ઉલ્લંઘન છે. ભારતનું માનવું છે કે એકબીજા સાથે કનેક્ટિવિટી વધારવા માટે એ જરૂરી છે કે આપણે એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરતા આગળ વધીએ.
સંયુક્ત રાષ્ટ્રની ઉપયોગીતા પર સવાલ
બેઠકમાં મોદીએ સંયુક્ત રાષ્ટ્રની ઉપયોગીતા પર પણ પ્રશ્નો કરતાં કહ્યું કે, ઘણી સિદ્ધિઓ છતાં સંયુક્ત રાષ્ટ્રનો વાસ્તવિક હેતુ હાલમાં પણ અધૂરો છે.
કોરોના અંગે દુનિયાને વિશ્વાસ અપાવ્યો
મોદીએ કહ્યું કે, SCO સાથે જોડાયેલા દેશો સાથેના ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ મજબૂત રહ્યાં છે. મહામારીના આ સંકટના સમયમાં ભારતના ફાર્મા ઉદ્યોગે ૧૫૦થી વધુ દેશોમાં દવાઓ મોકલી છે. દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક દેશના રૂપમાં ભારત આ સંકટ સામે લડવામાં માનવતાની મદદ કરવાની પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરશે.
બેઠકનું આયોજક રશિયા
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પણ આ બેઠકમાં ભાગ લીધો. આ બેઠકનું આયોજન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યું છે. બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને SCO મહાસચિવ રાશિદ અલીમોવ ઉપરાંત, તમામ આઠ સભ્ય દેશો અને ચાર નિરીક્ષક દેશોના નેતા સામેલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter