દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા સામાન્ય રીતે કરતાં નથી. આમાં પણ આફ્રિકાના જંગલમાં જોવા મળતી (કેપ બફેલો) ભેંસો તો તેના આક્રમક સ્વભાવ માટે જગવિખ્યાત છે. દીપડા તો શું, ઘણી વખત ડાલામથ્થા સિંહ પણ તેનો શિકાર પડતો મૂકીને ભાગે છે. જોકે ગયા સપ્તાહે સાઉથ આફ્રિકાના સાબીસેન્ડ નેશનલ પાર્કમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું. આડા પડેલા વૃક્ષના થડેથી લટકીને દીપડો નીચે રહેલી ભેંસને ચુંબન કરતો હતો!નેશનલ જ્યોગ્રાફિકે સમગ્ર ઘટનાનો વીડિયો તેની વેબસાઈટ પર મૂક્યો છે અને લખ્યું છે કે દીપડો ખરેખર તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાના ઇરાદે આવ્યો હતો. થડ પર ચડ્યા પછી દીપડાને ખબર પડી કે ભેંસનું ટોળું બહુ મોટું છે. શિકાર થાય એમ નથી. આથી તેણે ત્યાંથી ભાગવાની પેરવી કરી હતી. જોકે એ દરમિયાન એક ભેંસે પોતાનું નાક ઊંચું કર્યું. દીપડાએ તેને જોવા માટે પોતાનું મોઢું નીચું કર્યું ત્યારે આ પ્રેમી-પંખીડા પ્રકારનું દૃશ્ય સર્જાયું હતું. દીપડો ત્યાં કાયદેસર ભેખડે ભરાઈ ગયો હતો. કેમ કે અડધા કલાક સુધી રાહ જોઈ ત્યારે ભેંસોનું ટોળું ત્યાંથી હટ્યું અને પછી જ એ પોતાને રસ્તે જઈ શક્યો.