મોસ્કોઃ રશિયાના અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો (59) અંતરીક્ષમાં 1,000 દિવસ પસાર કરનારા વિશ્વના પ્રથમ માનવી બન્યા છે. ચોથી જૂને ઓલેગ કોનોનેન્કોએ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં 1000મો દિવસ પસાર કર્યો હતો. આ સાથે જ કોનોનેન્કોએ રશિયાના તેના જ સાથી અવકાશયાત્રી ગેનેડી પેડલ્કાનો અંતરિક્ષમાં 878 દિવસ, 11 કલાક, 29 મિનિટ, 48 સેકન્ડ સુધી રહેવાનો રેકોર્ડ તોડ્યો હતો. કોનોનેન્કાએ અલબત્ત અલગ અલગ મિશન હેઠળ આ સમય અંતરીક્ષમાં વીતાવ્યો છે, પણ આ સિદ્ધિ નાનીસૂની નથી.
રશિયાની અંતરીક્ષ સંશોધન સંસ્થા રોસકોસ્મોસે જણાવ્યું હતું કે ઓલેગ કોનોનેન્કોની આ પાંચમી અંતરીક્ષયાત્રા છે. અફાટ, અનંત, અજીબોગરીબ અંતરીક્ષમાં જુદા જુદા સમય સુધી રહેનારા અંતરિક્ષયાત્રીનાં શરીર પર કઈ કઈ અસર થાય છે અને તે અસરનું પ્રમાણ કેવું અને કેટલું હોય છે તેના વિશિષ્ટ સંશોધનામક અભ્યાસના હિસ્સારૂપે ઓલેગ કોનોનેન્કોને ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.
અવકાશયાત્રીઓનાં શરીરમાં થતા ફેરફાર વિશે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)ના ટ્રાન્સલેશન રિસર્ચ ઇન્સ્ટિટયુટ ફોર સ્પેસ હેલ્થ (ટીઆરઆઈએસએચ)નાં ભૂતપૂર્વ વડા ઈમેન્યુએલ ઉરુકીતા મહત્વનો સંશોધનાત્મક અભ્યાસ કરી રહ્યા છે.
આ અભ્યાસમાં પૃથ્વીથી દૂરના અંતરે રહેવાથી સંદેશવ્યવહારમાં કેવી અસર થાય છે, લાંબા સમય સુધી અંતરીક્ષમાં રહેવાથી અવકાશયાત્રીનાં તન અને મન પર કેવી અને કેટલી અસર થાય છે. અવકાશયાત્રીના શરીર પર રેડિયેશનની કેવી-કેટલી અસર થાય છે, ગુરુત્વાકર્ષણ બળની કેવી અસર થાય છે, લાંબા સમય સુધી બંધ કેબિનમાં રહેવાથી શરીર પર કેવા ફેરફાર અને અસર થાય છે વગેરે પાસાંના અભ્યાસનો સમાવેશ થાય છે.
ઓલેગ કાનોનેન્કોને ‘નાસા’ના અવકાશયાત્રીઓ લોરેલ ઓહારા અને કોમ્પેટ્રીયટ નિકોલાઇ શુબ સાથે સોયુઝ એમએસ-24નામના અવકાશયાન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.