અંતરીક્ષમાં રચાયો ‘મંગળ ઇતિહાસ’

Wednesday 21st April 2021 05:36 EDT
 
 

વોશિંગ્ટન:  ‘નાસા’નું હેલિકોપ્ટર ઇન્જેન્યૂટી બીજા ગ્રહ પર સફળ પાવર્ડ ફ્લાઇટ પૂર્ણ કરનાર પ્રથમ ક્રાફ્ટ બન્યું છે. ‘નાસા’એ સોમવારે આ સિદ્ધિની જાહેરાત કરતાં તેને સૌપ્રથમ સફળ વિમાન ઉડ્ડયનની ઘટના સાથે સરખાવી હતી. લાલ ગ્રહ મંગળ પરથી ૧૮ કરોડ માઇલ્સનો પ્રવાસ કરીને પૃથ્વી પર આવતાં ડેટા માટે ત્રણ કલાક રાહ જોયા બાદ ‘નાસા’એ આ જાહેરાત કરી હતી. આમ મંગળ ગ્રહ પર પ્રથમવાર હેલિકોપ્ટર ઇન્જેન્યૂટીની સફળ ઉડાન સાથે ઈતિહાસ રચાયો છે. લાલ ગ્રહ પરથી પહેલી ફ્લાઇટે ટેઇકઓફ કર્યું તે સાથે જ અવકાશ વિજ્ઞાનમાં એક સોનેરી પ્રકરણ ઉમેરાયું હતું. ઇન્જેન્યૂટીએ તેની કાર્બન ફાઇબરની બનેલી પાંખોની મદદથી ૨,૫૦૦ આરપીએમની ઝડપે ઊડયું હતું, તે હવામાં ૧૦ ફૂટ ઊંચે ચઢ્યું હતું, આસપાસ ફરીને ફોટોગ્રાફ્સ ઝડપ્યા હતા અને ફરી સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ‘નાસા’એ જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં ફરીથી હેલિકોપ્ટર બેકઅપ મોકલશે, જેથી ઇન્જેન્યૂટી ૧૦ ફૂટથી વધારે ઊંચે ઊડી શકશે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે અમને ભવિષ્યમાં વધારે સાહસિક ઉડાનોની હારમાળા સર્જવાની આશા છે.

ઇન્જેન્યૂટી હવામાં ૩૯.૧ સેકન્ડ રહ્યું
‘નાસા’એ જણાવ્યું હતું કે ઇન્જેન્યૂટીએ હવામાં ૩૯.૧ સેકંડ વીતાવી હતી. મંગળ પર ઉડાન વાસ્તવમાં એક પડકાર જ હતો કેમ કે જમીન સ્તર પર ગ્રહનું વાતાવરણ પૃથ્વીની સરખામણીએ ફક્ત એક ટકા છે. અત્રે નોંધનીય છે કે, મૂળ કાર્યક્રમ અનુસાર ઇન્જેન્યૂટી ૧૧ એપ્રિલે ઊડવાનું હતું પરંતુ ફ્લાઇટ કન્ટ્રોલ સોફ્ટવેરની સમસ્યાના કારણે ઉડાનમાં વિલંબ થયો હતો. ‘નાસા’ના એન્જિનિયર્સે કન્ટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર બદલ્યું હતું અને ઇન્જેન્યૂટીને ઉડવા સક્ષમ બનાવ્યું હતું.

તો મંગળની વધુ જાણકારી મળશે
જો ‘નાસા’ બેકઅપ મોકલ્યા બાદ ઇન્જેન્યૂટીને વધુ મોટી ઉડાન માટે સક્ષમ બનાવી શકશે તો આ અમેરિકન હેલિકોપ્ટર મંગળ ગ્રહના આ સ્થાનોની ઉપયોગી માહિતી-આંકડા લાવવા સક્ષમ બનશે કે જ્યાં પર્સીવરન્સ રોવર પહોંચી શકે તેમ નથી. ઇન્જેન્યૂટીની મંગળ ગ્રહ પરની ઉડાન મહત્ત્વપૂર્ણ સફળતા છે. આ હેલિકોપ્ટરને પર્સીવરન્સ રોવર સાથે જોડીને મંગળ પર ઉતારવામાં આવ્યું હતું. જિજેરો ક્રેટરમાં આ રોવર ૧૮ ફેબ્રુઆરીએ પહોંચી ગયું હતું. હેલિકોપ્ટરે ઉડાન ભર્યા બાદ ત્રણ કલાક બાદ ‘નાસા’ને આંકડા મળવા શરૂ થઇ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter