રિટ્રીટ કાર્યક્રમ માટે તમામ દેશના નેતાઓ સવારે ધુલીખેલ રિસોર્ટ પહોંચ્યા હતા. મોદીએ અહીં વડનો છોડ રોપ્યો હતો. ‘સાર્ક’ સંમેલનના અંતિમ દિવસે રિટ્રીટનું આયોજન કરવાની પરંપરા છે, જેનો ઉદ્દેશ્ય વણઉકેલ મુદ્દાઓ પર ચર્ચાનો અવસર ઊભો કરવાનો હોય છે. પ્રથમ દિવસે ભારત દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવોને પાકિસ્તાને નકારી કાઢતાં કોઈ સમજૂતી થઈ શકી નહોતી, જેનાં પરિણામે ૧૮મું ‘સાર્ક’ શિખર સંમેલન લગભગ નિષ્ફળ માનવામાં આવી રહ્યું હતું.
જોકે ‘સાર્ક’ના સમાપન સમારોહમાં તમામ સભ્ય દેશોએ ઊર્જા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. વીજળી ક્ષેત્રે જોડાણ અંગેની આ સમજૂતી થયા બાદ હવે ‘સાર્ક’ દેશો વીજળી ક્ષેત્રે વ્યાપાર કરી શકશે. સમજૂતી બાદ, ૩૬ મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર થયું હતું. બીજી તરફ, રેલવે અને રોડ મુદ્દે ‘સાર્ક’ રિજનલ એગ્રિમેન્ટ ઓન રેલવે તથા ‘સાર્ક’ મોટર વ્હિકલ એગ્રિમેન્ટ ફોર ધ રેગ્યુલેશન ઓફ પેસેન્જર એન્ડ કાર્ગો વ્હિક્યુલર ટ્રાફિક જેવા મહત્ત્વના બે કરાર અંગે સંમતિ સાધી શકાય નહોતી. હવે આગામી ‘સાર્ક’ સંમેલન ‘સાર્ક’ પાકિસ્તાનમાં યોજાવાનું છે, જેમાં નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે.