કાબુલઃ હક્કાની તથા બરાદર જૂથો વચ્ચે ભારે ખેંચતાણ અને મતભેદો બાદ આખરે અફઘાનિસ્તાનમાં નવી સરકારના સૂત્રધારોના નામ જાહેર થયા છે. વચગાળાની આ સરકારનું સુકાન મુલ્લા મહમદ હસન અખુંદઝાદાને સોંપાયું છે.
તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અખુંદઝાદા પ્રમુખ તરીકે જયારે મુલ્લા અબ્દુલ ગની બરાદર ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. બરાદર તાલિબાનના સહસંસ્થાપક છે.
અખુંદઝાદાના નેતૃત્વમાં રચાનારી આ સરકારમાં મુલ્લા યાકુબ સંરક્ષણ પ્રધાન હશે અને સિરાજ હક્કાની ગૃહ પ્રધાન હશે. હક્કાનીનું નામ અમેરિકાની એજન્સી એફબીઆઈની ‘વોન્ટેડ આતંકવાદી’ની યાદીમાં સામેલ છે તે ઉલ્લેખનીય છે. તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે મંગળવારે જણાવ્યું હતું કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે.
આગામી દિવસોમાં સ્થાયી સરકારની રચવાની યોજના પર કામ થશે. નોંધનીય છે કે અમેરિકાએ ૩૧ ઓગસ્ટે અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી તેના સાત દિવસ બાદ તાલિબાને સરકારની રચના કરી છે. તાલિબાનના અધિકારી અહમદુલ્લાહ વસીમે કહ્યું હતું કે અફઘાનિસ્તાન હવેથી ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ છે અને સુપ્રીમ લીડર અખુંદઝાદા અમીર-ઉલ-અફઘાનિસ્તાન તરીકે ઓળખાશે.
તાલિબાન પ્રવક્તાએ જણાવ્યું, ‘હજુ શૂરા પરિષદ (પ્રધાનમંડળ) કામકાજ સંભાળશે અને પછી નક્કી કરાશે કે સરકારમાં લોકો કઈ રીતે ભાગીદારી કરી શકે એમ છે.’ તાલિબાને અફઘાનિસ્તાનમાં સર્વ પક્ષોને સમાવતી સરકારના ગઠનનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાલિબાને સોમવારે નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ)ના કબજામાં રહેલા પંજશીર પર કબજાની જાહેરાત કરી હતી. આના એક દિવસ બાદ જ તાલિબાને સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાન પ્રવક્તાએ સોમવારે પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં પણ સરકારની રચના અંગે સવાલ કરાયા હતા. જોકે તેણે આ મામલે જવાબ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
પાકિસ્તાને પોત પ્રકાશ્યું
તાલિબાને પંજશીર પર કબજો કર્યો તેમાં પાકિસ્તાનના લશ્કરી સહયોગે નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનું ખૂલ્યું છે. તાલિબાનને જડબાતોડ જવાબ આપી રહેલા પંજશીરના નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના લડાકુઓ પર પાક. વાયુસેનાના વિમાનો અને ડ્રોને હુમલો કર્યો હોવાના અહેવાલ છે. તાલિબાને પંજશીર પર કબજે કર્યાના દાવાના બે દિવસ પૂર્વે જ પાક. ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના વડા ફૈઝ હમિદ અચાનક કાબુલ પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં પાક.ના હસ્તક્ષેપ સામે સ્થાનિક સ્તરે પ્રચંડ વિરોધ ઉઠ્યો છે અને બે દિવસથી દેખાવો થઇ રહ્યા છે. મંગળવારે તો દેખાવકારો પર ગોળીબાર કરાયો હતો, જેમાં બેના મૃત્યુ થાના અહેવાલ છે.