હૈદરાબાદઃ તામિલ અને તેલુગુ ભાષાના ‘અન્ના’ એટલે કે મોટા ભાઈ શબ્દને ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે. આ વખતે અન્ના સહિતના ૭૦ નવા ભારતીય શબ્દોને ઓક્સફર્ડ શબ્દકોશમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ભાષાઓમાં તેલુગુ, ઉર્દુ, તામિલ, હિન્દી અને ગુજરાતીનો સમાવેશ થાય છે.
તાજેતરમાં ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (ઓઇડી) અપડેટ કરવામાં આવી છે. આ શબ્દકોશમાં આનાને અગાઉ નાઉન તરીકે અગાઉ સ્થાન મળ્યું હતું, જે ભારત અને પાકિસ્તાનમાં એક રૂપિયાનો સોળમો ભાગ તરીકે જાણીતો હતો. હવે, ‘અન્ના’ શબ્દને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેનો અર્થ તેલુગુ અને તામિલમાં મોટા ભાઈ થાય છે. પિતા માટે ઉર્દુમાં વપરાતો શબ્દ ‘અબ્બા’ પણ તેમાં ઉમેરાયો છે.
કોશમાં ઉમેરાયેલા લેટેસ્ટ શબ્દોમાં ‘અચ્છા’, ‘બાપુ’, ‘બડા દિન’, ‘બચ્ચા’ અને ‘સૂર્ય નમસ્કાર’નો સમાવેશ થાય છે. જે સંબંધસૂચક છે તે મોટા ભાગના ભારતીય શબ્દો છે. તેમાં સંસ્કૃતિ અને ખોરાક સંબંધિત શબ્દો પણ સમાવિષ્ટ થયા છે. ઓકેના સમાનાર્થી તરીકે ‘અચ્છા’ શબ્દ પહેલેથી હતો પણ હવે ખુશી, આશ્ચર્ય અને આનંદની લાગણી બતાવવા માટે ‘અચ્છા’ શબ્દ ઉમેરાયો છે.
ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીના એડિટર દાનિકા સલાઝાર દ્વારા જારી કરવામાં આવેલી ‘રિલીઝ નોટ્સ: ઈન્ડિયન ઈંગ્લિશ’માં કહેવાયું છે કે આ વખતે તેમણે ભારતીય ભાષામાંથી ૭૦ શબ્દોની પસંદગી શબ્દકોશ માટે કરી છે. ડિક્શનરીમાં અત્યાર સુધીમાં ભારતીય ભાષાના ૯૦૦ શબ્દો ઓલરેડી હતા તેમાં આ ઉમેરો થયો છે.
દાનિકાએ લખ્યું છે કે સગાઓને સંબોધવા માટે ભારતીય ભાષામાં ચોક્કસ શબ્દો છે. અબ્બા, અન્ના, બાપુ, ચાચા અને દીદી અને માતા જેવા શબ્દો વય, જાતિ, દરજ્જો અને કૌટુંબિક સંબંધો દર્શાવે છે. આ શબ્દોનો ઈંગ્લિશમાં કોઈ સીધો અર્થ મળતો નથી. આથી ભારતીય ભાષાઓમાંથી આ શબ્દો અપનાવી આ ઊણપ દૂર કરવામાં આવશે.
ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી વર્ષમાં ચાર વખત નવા શબ્દોના ઉમેરણ સાથે ડિક્શનરી અપડેટ કરે છે. વર્ષમાં માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં શબ્દોનું ઉમેરણ થતું રહે છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં આ રીતે સમગ્ર વિશ્વમાંથી કુલ ૧૦૦૦ જેટલા નવા શબ્દો તેમાં ઉમેરવામાં આવ્યા છે.
સેન્સીસ અને સુબેન્ટ્રીસ નામના બે નવા ઈંગ્લિશ શબ્દો આ વખતે તેમાં ઉમેરાયા છે. તે ઉપરાંત વર્સેસ્ટ અને ફંગીવોરોસ નામના શબ્દ પણ લેવાયો છે. ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી જીવન સાથે વણાયેલાં તમામ શબ્દોને ગ્રંથસ્થ કરવાના પ્રયત્ન કરે છે. તે આ માટે ડેટા એકત્ર કરે છે અને તે પછી અર્થ સાથે તેનો ઉમેરો કરે છે. સોશિયલ મીડિયામાં નવાનવા કોઈન થતા શબ્દોને પણ તેમાં સ્થાન અપાતું રહે છે.