નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં ચર્ચા-વિચારણા માટે આ અઠવાડિયે મોસ્કો જઇ રહ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા બે મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યૂક્રેનની મુલાકાત લઈને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા.
પીએમ મોદીએ યૂક્રેનપ્રવાસ દરમિયાન ઝેલેન્સ્કી સાથે બેઠક બાદ ગત 27 ઓગસ્ટે પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયન દૂતાવાસના નિવેદનમાં જણાવાયું હતું કે આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રેસિડેન્ટ પુતિનને પોતાની કીવની મુલાકાત અંગે માહિતગાર કર્યા હતા અને રાજકીય તથા રાજદ્વારી પ્રયાસો થકી રશિયા-યૂક્રેન યુદ્ધનો અંત લાવવાની ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
ડોભાલ શાંતિમંત્રણા માટે મોસ્કો જશે તેવું આ વાતચીત દરમિયાન જ નક્કી થયું હતું. જોકે તેમની મોસ્કોની મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ હજુ જાહેર નથી થયો. તેઓ 22થી 24 ઓક્ટોબર રશિયાના કઝાન શહેરમાં યોજાનારી બ્રિક્સ દેશોની શિખર બેઠક પૂર્વે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન રશિયા-યૂક્રેન ઘર્ષણનો અંત લાવવા અંગે ચર્ચા થઇ શકે છે.
ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે ડોભાલની અલગથી બેઠક થવાની પણ શક્યતા છે. બ્રિક્સમાં નવા પાંચ દેશ - સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાન, ઈ જિપ્ત અને ઈથિયોપિયા જોડાયા પછીની બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આ પહેલી બેઠક હશે. પુતિને તાજેતરમાં જ કહ્યું હતું કે યૂક્રેન સાથે શાંતિમંત્રણામાં ભારત, ચીન અને બાઝીલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
યુદ્ધનો અંત લાવવામાં ભારતની મહત્ત્વની ભૂમિકા: મેલોની
ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. રશિયા-યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, 2022થી યુદ્ધ જારી છે. ઘણા દેશોએ આ ઘર્ષણનો અંત લાવવા અપીલ કરી છે. બે દિવસ પૂર્વે પુતિને પણ માન્યું હતું કે ભારત આ સંકટનો ઉકેલ શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે.