લંડનઃ સાયબર અપરાધીઓ સમસ્ત વિશ્વની બેન્કને નિશાન બનાવવા અજ્ઞાત અને અદૃશ્ય હેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. જેની મદદથી તેઓ વિશ્વના ૪૦ દેશોની ૧૪૦ જેટલી બેન્કના પાસવર્ડ અને ફાઇનાન્શિયલ ડેટાની ઉઠાંતરી કરી ચૂક્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
આ ડિજિટલ એટેકમાં ઓટોમોટિક ટેલર મશીન ઓપરેટ કરતા કમ્પ્યુટર્સને નિશાન બનાવીને બેન્કનાં નાણાંની ઉઠાંતરી કરવામાં આવે છે. આ હેકિંગ સોફ્ટવેર નિશ્ચિત લક્ષ્યાંક પર ત્રાટક્યા બાદ કમ્પ્યુટરની મેમરીમાં જ છુપાઈ જાય છે અને તેને શોધી શકાતા નથી. સંશોધકો પણ આવા હેકિંગ પાછળ કોનો હાથ છે તે હજી પગેરું શોધી શક્યા નથી.
આવા હુમલાનું સંશોધન કરનારી કાસ્પરસ્કાય લેબનું કહેવું છે કે ઓપન સોર્સ એક્સ્પ્લોઇટ કોડનો ઉપયોગ, કોમન વિન્ડો, યુટિલિટી અને અજાણ્યા ડોમેઇનને કારણે આવા હુમલા માટે જવાબદાર જૂથને શોધી કાઢવું લગભગ અસંભવ બની રહે છે. કમ્પ્યુટરની મેમરીમાં છુપાઈ જઈને તે કોડ અદૃશ્યપણે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટિવ પાસવર્ડની ચોરી કરતું રહે છે. આનાથી હુમલાખોર દૂર રહીને પણ હુમલાનો ભોગ બનેલી સિસ્ટમને કંટ્રોલ કરી શકે છે.
હેકર્સની કાર્યશૈલી
હુમલાખોર હેકર માત્ર લેજિટિમેટ અર્થાત્ કાયદેસરનાં સોફ્ટવેરનો જ ઉપયોગ કરે છે. ટેસ્ટિંગ કે એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સના સ્વરૂપમાં તે સોફ્ટવેર સરળતાથી ઉપલબ્ધ છે. અન્ય હુમલાખોરોની જેમ આ જૂથ હાર્ડ ડ્રાઇવમાં માલવેર ફાઇલ ધકેલતું નથી, પરંતુ તેને મેમરીમાં છુપાવે છે. આના કારણે તેનું ડિટેક્શન અઘરું બની જાય છે. તપાસકર્તાઓ તેથી જ તપાસમાં કોઈ પરિણામ સુધી પહોંચી શકતા નથી.
હેકર્સનો મૂળ હેતુ - સંપત્તિ પર કબજો
હાલ વિશ્વભરની બેન્કો આવા હુમલાનો ભોગ બનતી રહે છે. આવા સંજોગોનો સામનો કરવા બેન્કો સુસજ્જ નથી. હુમલાખોર દૂર બેઠાં બેઠાં ઓટોમોટિક ટેલર મશીન્સનું નિયંત્રણ કરી રહેલા કમ્પ્યુટર્સ પર નિયંત્રણ મેળવીને બેન્કમાંથી નાણાંની સફળતાપૂર્વક ઉઠાંતરી કરી શકે છે.
કમ્પ્યુટર ફોર્મેટ કરવામાં આવે છે તો પણ મેમરીમાં ઘૂસી ગયેલું આ હેકિંગ સોફ્ટવેર પોતાની જાતે જ રિનેમ આપીને કાર્યરત થઈ જાય છે અને મહિનાઓ સુધી તેને ઓળખી શકાતું નથી.
અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇક્વેડોર અને કેન્યાની બેન્ક્સ હેકિંગનો ભોગ બનવામાં મોખરે છે. અમેરિકામાં તો મોટા હેકિંગના ૨૧ કિસ્સા નોંધાયા છે. કાસ્પરસ્કાય લેબે હજી તે શોધી કાઢવાનું બાકી છે કે હેકિંગ પાછળ કોઈ એક જૂથનો જ હાથ છે કે એકબીજા સાથે સ્પર્ધામાં ઊતરેલી હેકર્સ ગેંગનો હાથ છે.