અઝરબૈજાન - આર્મેનિયા વચ્ચે વિવાદિત પ્રદેશ મુદ્દે યુદ્ધ ફાટી નીકળ્યું

Wednesday 30th September 2020 07:45 EDT
 

યેરેવાનઃ વિવાદાસ્પદ નાગોર્નો-કારાબાખના મામલે રવિવારે સવારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અઝરબૈજાનની સેનાએ કારાબાખના મુખ્ય શહેર સ્ટેપનાકર્ટ સહિત સેનાની ફ્રન્ટલાઇન અને નાગરિક વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આર્મેનિયાના સંરક્ષણ વિભાગે દાવો કર્યો હતો કે તેની સેનાએ અઝરબૈજાનની સેનાનાં બે હેલિકોપ્ટર અને ૩ ડ્રોન તોડી પાડયાં હતાં અને વળતા હુમલામાં અઝરબૈજાનની સેનાની ૩ ટેન્કનો નાશ કર્યો હતો. અઝરબૈજાનના રાષ્ટ્રપતિભવનના જણાવ્યા અનુસાર આર્મેનિયન વાયુસેનાના બોમ્બમારામાં અમારી સેનાના જવાનો અને કેટલાક નાગરિકોનાં મોત થયાં હતાં. અમારી સેનાએ દેશની જનતાની સુરક્ષા માટે ટેન્ક, આર્ટિલરી મિસાઇલ - ફાઇટર જેટ અને ડ્રોન દ્વારા વળતો પ્રહાર શરૂ કર્યો હતો. આર્મેનિયાએ જણાવ્યું હતું કે, અઝરબૈજાનના હુમલાથી યુદ્ધ શરૂ થયું છે.
અઝરબૈજાન અને આર્મેનિયા
અઝરબૈજાને આરોપ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, આર્મેનિયન સેનાના હુમલાના જવાબમાં અમારી સેનાએ વળતો પ્રહાર કર્યો હતો. જે લોકો અમારા પર હુમલા કરી રહ્યા છે તેઓ પસ્તાશે. આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાને ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, આવો આપણે આપણા દેશ અને સેનાની પડખે મક્કમતાથી ઊભા રહીએ. આર્મેનિયાની ભવ્ય સેના અમર રહો. કારાબાખ વિસ્તારમાં પણ સત્તાવાળાઓએ માર્શલ લોની જાહેરાત કરી હતી. નાગરિકોને હાઇએલર્ટના આદેશ અપાયા હતા. કારાબાખ વિસ્તારના લોકપાલ અર્તાક બેગ્લાર્યાને જણાવ્યું હતું કે, હુમલાના કારણે નાગરિકોનાં મોત થયાં છે. આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કારાબાખમાં આર્મેનિયન મહિલાઓ અને બાળકોનાં મોત થયાં છે.
આર્મેનિયામાં માર્શલ લો જાહેર
અઝરબૈજાન સાથે લશ્કરી અથડામણ શરૂ થતાં જ આર્મેનિયાએ દેશમાં માર્શલ લો જાહેર કરી સેનાને સરહદો તરફ રવાના કરી હતી. આર્મેનિયાના વડા પ્રધાને જણાવ્યું હતું કે, સરકારે દેશમાં માર્શલ લો જાહેર કરી સેનાને તમામ સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે.
બંને દેશ તાત્કાલિક યુદ્ધવિરામ જાહેર કરે
રશિયાએ આ મામલે રવિવારે જણાવ્યું કે, બંને દેશની સેના તાત્કાલિક યુદ્ધવિરામ કરીને મંત્રણા કરે. અમે બંને દેશની સેનાને તાત્કાલિક હુમલા અટકાવવા અપીલ કરીએ છીએ. બીજી તરફ અઝરબૈજાનના સમર્થક તુર્કીએ જણાવ્યું હતું કે, આર્મેનિયાએ નાગરિક વિસ્તારો પર હુમલા કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક આ સંઘર્ષ અટકાવવો જોઇએ.
શું કે કારાબાખ વિવાદ?
સોવિયેત સંઘના પૂર્વ સભ્યો એવા આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે છેલ્લા ૩ દાયકાથી આર્મેનિયન બહુલ નાગોર્નો-કારાબાખ વિસ્તાર માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. સોવિયેત સંઘમાંથી અલગ થયા પછી ક્રિશ્ચનોની બહુમતીવાળા આર્મેનિયા અને મુસ્લિમોની બહુમતી ધરાવતા અઝરબૈજાનની વચ્ચે ૧૯૯૨-૯૪ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ૩૦ લાખની વસતી ધરાવતા ૧૭૦૦ ચોરસ માઇલના આ વિસ્તાર પર આર્મેનિયાનો કબજો છે, પરંતુ આ વિસ્તાર પર અઝરબૈજાન દાવો કરી રહ્યો છે. છેલ્લે ૨૦૧૬માં બંને દેશ વચ્ચે અથડામણો થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter