કોલંબોઃ ભારતને ઘેરવાની તૈયારી કરી રહેલા ચીનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. દેવામાં ડુબેલા શ્રીલંકાના જંગલોમાં ચીન હવે એક રડાર બેઝ બનાવવાની તૈયારીમાં છે. આ રડાર બેઝની મદદથી ડ્રેગન ભારતની જાસૂસી કરશે. આ ઉપરાંત હિંદ મહાસાગરમાં ભારત, અમેરિકા અને બ્રિટનની નેવી સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી ચીન માટે વધુ સરળ બની જશે. ભારત માટે આ બાબત ખતરાની ઘંટડીસમાન માનવામાં આવે છે. શ્રીલંકાની આર્થિક કંગાળ પરિસ્થિતિનો લાભ લઇને ચીન હવે ભારત વિરુદ્ધના કાવતરા માટે શ્રીલંકાનો ઉપયોગ વધારી રહ્યું છે.
એક અહેવાલમાં દાવો કરાયો છે કે આ ચાઈનીઝ રડાર બેઝ શ્રીલંકના ડોંડરાના જંગલોમાં તૈયાર કરાશે. આ વિસ્તાર હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. તેથી ભારતની જાસૂસી કરવા ચીન માટે સરળ બની જશે એમ નિષ્ણાતો માની રહ્યા છે. જો આ વિસ્તારમાં લાંબી રેન્જના રડાર સ્થાપિત કરાય તો ચીન પુરા દક્ષિણ ભારત પર નજર રાખી શકે છે. ચીન માત્ર હિંદ મહાસાગર જ નહીં સાથે સાથે અરબ સાગરની ઉત્તર દિશામાં પણ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર પણ નેવલ બેઝ તૈયાર કરી રહ્યું છે. તેથી ઉત્તર દિશામાં પણ ચીન ભારતની જાસૂસી કરી શકે છે.
અહેવાલ મુજબ શ્રીલંકામાં ચીનના આ નેવી બેઝનો ખુલાસો શ્રીલંકાની ઈંટેલિજન્સ એજન્સીના સુત્રોને ટાંકીને કરાયો છે. જેમાં જણાવાયું છે કે આ રડાર પ્રોજેક્ટનું નેતૃત્વ ચીનની સાયન્સ એકેડમી કરશે. ડોંડરા બેનો વિસ્તાર શ્રીલંકાના દક્ષિણ બાજુ છે. જો ત્યાં રડાર બેઝ બનાવાશે તો ભારતનો અડધો હિસ્સો ચીનની નજર હેઠળ આવી શકે છે. સાથે સાથે ચીન ભારતના સંવેદનશીલ ગણાતા કુડનકુલમ અને અલપક્કમ ન્યૂક્લિયર પાવર પ્લાંટની પણ જાસૂસી કરી શકે છે. એવી ભીતી છે કે ચીનનું આ રડાર ભારત માટે મોટો ખતરો પેદા કરી શકે છે. અંદામાન અને નિકોબાર દ્વીપ પર જતા ભારતીય નેવીના જહાજો પર ચીન સરળતાથી નજર રાખી શકશે. ઉત્તરમાં પાકિસ્તાન, પૂર્વમાં ભુતાન અને દક્ષીણમાં શ્રીલંકાને કાબુમાં કરીને ચીન ભારત પર દબાણ વધારી રહ્યું છે. હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે અને પાકિસ્તાનની પણ એવી જ સ્થિતિ છે. શ્રીલંકાને ચીને મોટી લોન આપી છે, જેને પરત કરવાની હાલ શ્રીલંકાની સ્થિતિ નથી. જેનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાની જમીનનો ઉપયોગ ચીન ભારત વિરુદ્ધ કરવા લાગ્યું છે.