ક્લૂજ-નાપોકાઃ અઢી વર્ષનો ટેણિયો એરિક સેક્લાન શાળાએ જતો થશે ત્યાં સુધી તેણે કદાચ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી લીધું હશે. એરિક અને તેના માતાપિતા એલિના અને આન્દ્રેઈ સેક્લાન જૂન ૨૦૧૮થી વિશ્વપ્રવાસે નીકળ્યાં છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ મહાખંડમાં ૨૪ દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. રોમાનિયાના ક્લૂજ-નાપોકાના એલિના અને આન્દ્રેઈ રોજબરોજના જીવનથી કંટાળી ગયાં હોવાથી જીવનમાં ઉત્સાહ - રોમાંચ લાવવાં દીકરા એરિક સાથે લઈ વિશ્વપ્રવાસે નીકળવાનો વિચાર કર્યો હતો. છેલ્લા પ્રવાસમાં જ તેમણે ૧૪ દેશની મુલાકાત લીધી હતી.
વિશ્વના સૌથી લોકપ્રિય અને આહલાદક સ્થળોની મુલકાત લેતાં લોકોનું આખું જીવન વીતી જાય છે ત્યારે એરિકે અત્યાર સુધી પેરુના માચુ પિચુ, થાઈલેન્ડના મંદિરો, ફ્લોરિડાનું કેનેડી સ્પેસ સેન્ટર, મેક્સિકોમાં માયા સંસ્કૃતિના અવશેષ, ચિચેન ઈત્ઝાની તળેટી, વેનેઝુએલાની ઉત્તરે બોનાઈરમાં કેરેબિયન પિન્ક સોલ્ટ પેન્સ, ક્યુબાની રાજધાની હવાના, ચિલીના અટ્કાર્મા ડેઝર્ટ, શ્રી લંકાનો પ્રસિદ્ધ નાઈન આર્ચિઝ બ્રિજ તેમજ કંબોડિયા, વિયેટનામ, યુએઈ, કોલંબિયા અને સિંગાપોર સહિતના સ્થળો જોઈ લીધાં છે.
મલ્ટિનેશનલ કંપનીનાં પૂર્વ ફાઈનાન્સ મેનેજર એવી માતા એલિના અને ડેન્ટિસ્ટ પિતા આન્દ્રેઈ સેક્લાનનું કહેવું છે કે એરિકને બીજા લોકો સાથે હળવુંમળવું વધુ ગમતું હોવાથી તેઓ તેની સાથે જ પ્રવાસમાં વધુ સમય વીતાવવાં ઈચ્છતાં હતાં. તેમને પ્રવાસ ગમે છે અને દર વર્ષે તેઓ રજાઓમાં નવા નવા સ્થળની મુલાકાત લેતાં હતાં. બાળકના કારણે તેમની જીવનશૈલી બદલવી ન હતી, પરંતુ ટુંકા પ્રવાસો શરૂ કર્યાં હતાં.
એરિક છ મહિનાનો હતો ત્યારે તેમણે ત્રણ સપ્તાહની ઈટાલીની રોડ ટ્રિપ કરી હતી. હવે તેઓ વધુ ખર્ચ કરતા નથી અને સસ્તાં કે મફત રહેઠાણો શોધી વધુ સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. ખર્ચ કાઢવા તેઓ પોતાનો બ્લોગ પણ લખે છે, જેમાં તેમણે જોયેલાં સ્થળોનાં અનુભવો વર્ણવે છે. આ પરિવાર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે અને ગમે તે સ્થળે ભોજન કરી લે છે.
એલિના કહે છે કે આપણામાં પણ એક બાળક ધબકતું હોય છે, જેને નવી જગ્યાઓ જોવી ગમે છે. એલિના પોતાના પ્રવાસ દ્વારા નાના બાળકો સાથેના પરિવારોને પ્રવાસ ખેડવાનું ઉત્તેજન આપવા માગે છે કારણ કે બાળકો સાથે ક્વોલિટી સમય વીતાવવાનો આનાથી વધુ સારો માર્ગ કોઈ નથી.