નવી દિલ્હી: અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ અનેક મલ્ટીનેશનલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ સાથે વાત કરી રહ્યું હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, કંપની વેચવાની ડીલ એક મહિનામાં પૂર્ણ થઈ શકે છે. ગ્રૂપને આ હિસ્સો વેચવાથી 2.5-3 બિલિયન ડોલર (આશરે રૂ. 24 હજાર કરોડ) મળવા અપેક્ષા છે. જોકે અદાણી ગ્રૂપે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
ત્રણ મહિના પહેલા, બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ છેલ્લા કેટલાક મહિનાથી અદાણી વિલ્મરમાં તેનો હિસ્સો વેચવાની શક્યતાઓ શોધી રહી છે. અને આમાંથી મળેલા નાણાંનો ઉપયોગ જૂથ તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરશે. જોકે, અદાણી વિલ્મરે તેને અફવા ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.