અમદાવાદ: અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો ઉપયોગ કંપનીઓની વિસ્તરણ યોજનાઓ માટે કરાશે. જૂથની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝિસ આ ફંડ મેળવશે. IHCને પ્રેફરન્શિયલ બેસિસ પર શેર્સ એલોટ કરાશે. કંપનીના શેરધારકો તેમજ રેગ્યુલેટરની મંજૂરી બાદ આ રોકાણ શક્ય બનશે.
કુલ મૂડીરોકાણમાંથી IHC અદાણી ગ્રીન એનર્જી (એજીઇએલ)માં રૂ. 3,850 કરોડ જ્યારે અદાણી ટોટલ ગેસ (એટીએલ)માં રૂ. 3,850 કરોડનું રોકાણ કરશે. જ્યારે જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ (એઇએલ)માં તે રૂ. 7,700 કરોડનું રોકાણ કરશે. જરૂરી મંજૂરીઓ બાદ ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અદાણી આ મૂડીનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણ માટે, બેલેન્સ શીટ્સને મજબૂત બનાવવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
એજીઈએલ, એટીએલ અને એઈએલ તેમના સંબંધિત ક્ષેત્રોમાં માર્કેટ લીડર છે. તેઓ અદાણી જૂથના ગ્રીન એનર્જી પોર્ટફોલિયોના અગ્રણી આધારસ્થંભ છે. IHCના સીઈઓ અને એમડીએ જણાવ્યું હતું કે તેમની કંપની ભારતમાં લોંગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે પ્રતિબદ્ધ છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ મારફ્તે ઊંચા રિટર્ન મેળવવાની આવી તક અગાઉ જોવા નથી મળી એમ તેમણે ઉમેર્યું હતું. IHCની સ્થાપના 1998માં કરાઈ હતી.