અમદાવાદ: અદાણી જૂથની કથિત ગેરરીતિઓ અને વિપક્ષોના આક્ષેપ ફરી સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં અગ્રણી બિઝનેસ દૈનિક ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’માં અહેવાલ પ્રકાશિત થયો છે કે કોલસાની આયાત સામે અદાણી જૂથ દ્વારા ઈન્ડોનેશિયાથી કાર્ગો જહાજમાં ભારત પહોંચે તેમાં ભાવ ફેરફાર કરવાની, ઈન્ડોનેશિયાના સસ્તા કોલસાની ભારતમાં ઊંચા ભાવે આયાત કરવાની ગેરરીતિ કરી રહ્યું છે. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે અદાણી ઊંચા ભાવે આયાત બતાવી રહ્યા હોવાથી ભારતમાં વીજળી મોંઘી થઈ રહી છે.
બ્રિટનના અગ્રણી અખબારનો અહેવાલ ટાંકતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાથી ભારત કોલસો પહોંચે ત્યારે ભાવ બમણો થઈ જાય છે. આ પ્રક્રિયામાં અદાણીએ ગરીબોના ખિસ્સામાંથી રૂ. 12,000 એકત્ર કરી લીધા છે. ઊંચા ભાવના કોલસાના કારણે ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે. ભારતીય પ્રસાર માધ્યમમાં આ અહેવાલ આવ્યા નથી. આ અહેવાલ કોઇ પણ સરકારને સત્તા ઉપરથી ઉથલાવી શકે એમ છે.
ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઈસ દ્વારા ઇન્ડોનેશિયાથી કોલસાની નિકાસ વખતે જાહેર કરવામાં આવેલા ભાવ, જથ્થો અને તેની ભારતમાં આયાત સમયે બંદર ઉપર જાહેર કરવામાં આવેલા ભાવ અને જથ્થાના આંકડાની સરખામણી કરી ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’નો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વર્ષ 2019 થી 2021ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’એ 32 મહિનાના સમયગાળામાં 30 જેટલા કોલસાના શિપમેન્ટની તપાસ કરી જણાવ્યું હતું કે ત્યાંથી નિકાસ અને ભારતમાં આયાત સમયે ભાવમાં 7 કરોડ ડોલર એટલે કે રૂ. 581 કરોડનો તફાવત જોવા મળે છે. અહેવાલમાં ઉદાહરણ ટાંકતા અખબાર જણાવે છે કે ઇન્ડોનેશિયાના કાલિયોરાંગ બંદરથી 74,820 ટન કોલસો લઇને એક જહાજ ભારત નીકળે છે. આ સમયે કોલસાની કિંમત 19 લાખ ડોલર અને સ્થાનિક ખર્ચ 42,000 ડોલર દર્શાવવામાં આવી છે. જયારે આ જહાજ મુન્દ્રા બંદર પહોચે છે ત્યારે તેનો ભાવ 43 લાખ ડોલર થઇ જાય છે એવી કસ્ટમના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. આવા કુલ 30 શિપમેન્ટ ભારતમાં અદાણીએ આયાત કર્યા હતા જેમાં 31 લાખ ટન કોલસાની આયાત થઇ છે. નિકાસ સમયે તેનો ભાવ 13.9 કરોડ ડોલર અને અન્ય ખર્ચા 31 લાખ ડોલર દર્શાવેલા છે. ભારતમાં આયાત સમયે કસ્ટમ સમક્ષ તેનું મૂલ્ય 21.5 કરોડ ડોલર બતાવવામાં આવ્યું છે અને આમ અદાણીએ 7.3 કરોડ ડોલરનું ઓવર ઇન્વોઇસિંગ (મૂળ કિંમત કરતા ઊંચા ભાવ દર્શાવ્યા છે) કર્યું છે.
જૂની વાતો નવા સ્વરૂપેઃ અદાણી ગ્રૂપ
ઉલ્લેખનીય છે કે અગાઉ, ડીઆરઆઈએ અદાણી જૂથ સામે કોલસાની આયાતના ઊંચા ભાવ દર્શાવવાનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં અદાણીની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. અદાણીએ નવા અહેવાલ અંગે જણાવ્યું હતું કે જૂની વાતો ફરીને ફરી વાંચકો સમક્ષ પીરસી કંપની અને જૂથને બદનામ કરવા માટે, નુકસાન પહોંચાડવા માટે અહેવાલ વહેતા કરવામાં આવી રહ્યા છે જેમાં ભારતવિરોધી તત્વો સામેલ છે.