અધધધ 20 મિલિયન ડોલરની રિસ્ટ વોચ...!

Sunday 09th April 2023 06:19 EDT
 
 

દુનિયાની સૌથી મોંઘી રિસ્ટ વોચ અંગે જો તમે ગૂગલ પર સર્ચ કરો તો કંઇકેટલાય પ્રકારના વિકલ્પ સાથેના જવાબ મળશે, પરંતુ આ ઘડિયાળની વાત જ કંઇક અલગ છે. ઊંચા ગજાના ધનાઢયોને જ પરવડે તેવી લક્ઝુરિયસ ઘડિયાળો બનાવવા માટે જાણીતી જેકબ એન્ડ કંપનીએ આ ઘડિયાળ બનાવી છે, જેનું મૂલ્ય છે 20 મિલિયન ડોલર. સ્વાભાવિક જ છે કે આ એક એવી ખાસ ઘડિયાળ છે, જે ખરીદવાનું ગજું બહુ જૂજ લોકો જ ધરાવતા હશે. બિલિયોનેર ટાઇમલેસ ટ્રેઝર નામની આ ઘડિયાળને આટલી મૂલ્યવાન બનાવે છે તેની વિશેષતા. ઘડિયાળને જાત જાતના હીરા-માણેકથી સજાવવામાં આવી છે.
સામાન્ય ઘડિયાળ જેવા જ કલાક, મિનિટ અને સેકન્ડના કાંટા ધરાવતી આ ઘડિયાળનું ડાયલ પીળા કલરના 425 હીરાઓ અને લીલા રંગના માણેકથી સજાવવામાં આવ્યું છે. આ બેસ્ટ ક્વોલિટીના હીરા-માણેક દુનિયાભરના દેશોમાંથી લાવવામાં આવ્યા છે, અને તેને 18 કેરેટ સોનાના ડાયલમાં જડવામાં આવ્યા છે. ઘડિયાળમાં જડાયેલા હીરા-માણેક શોધવામાં જ કંપનીને સાડા ત્રણ વર્ષ લાગ્યા છે એ વાત પરથી અંદાજ લગાવી શકો છે કે તેની પસંદગીમાં કેવા ઉચ્ચ કક્ષના માપદંડને ધ્યાને લેવાયા હશે. કંપનીના કહેવા પ્રમાણે બધા રત્નો મળી ગયા પછી અમે અનોખી રીતે આ ઘડિયાળ તૈયાર કરી છે. કંપનીના સીઇઓ બેન્જામિન અરાબોવ કહે છે કે આકરા માપદંડને આધારે પસંદ કરેલા આ ઉત્કૃષ્ટ હીરા-માણેકને અમે કંપનીના જિનિવા સ્થિત હેડ ક્વાર્ટરમાં લાવ્યા અને ઉચ્ચ ગુણવત્તાને અનુસરીને અમે 20 મિલિયન ડોલરના આ માસ્ટરપીસનું નિર્માણ કર્યું છે. 300 ગ્રામની આ ઘડિયાળના પટ્ટામાં આશરે 160 કેરેટના હીરા જડવામાં આવ્યા છે. આ ઘડિયાળનો વીડિયો નિહાળવા માટે યુટ્યુબ પર સર્ચ કરો આ લિન્કઃ bit.ly/3lZAGyb


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter