દુબઈ: ઘાટ કરતાં ઘડામણ મોંઘું તે કહેવત આપણે સહુ સાંભળી છે, પરંતુ શોખીનો ક્યારેય આવી બાબતની પરવા કરતા નથી. દુબઈમાં યુનિક મોબાઇલ નંબર માટે ઓક્શનની શરૂઆત તો 22 લાખ રૂપિયાથી થઈ હતી અને જ્યારે તે પૂરી થઈ ત્યારે આંકડો 7 કરોડ પર અટક્યો હતો. સ્વાભાવિક છે કે દરેકને જાણવાની ઇંતેજારી થાય કે એવો તે કયો નંબર હતો કે જેના માટે આટલી ઊંચી કિંમત ચૂકવાઇ છે. વાત એમ છે કે દુબઈમાં ચેરિટી માટે એક ઓક્શન યોજાયું હતું, જેમા યુનિક નંબર પ્લેટ્સ, મોબાઇલ નંબર માટે માલેતુજારોએ બોલી લગાવી હતી. આ કેમ્પેઇન દુબઈના શાસક અને યુએઈના વાઇસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે લોન્ચ કર્યુ હતું. ઓક્શનમાં 10 ફેન્સી કાર નંબર પ્લેટ અને 21 એક્સ્લુઝિવ મોબાઇલ નંબર પણ હતા. તેમાં સૌથી વધારે કિંમતે વેચાયેલો મોબાઇલ નંબર 058-7777777 હતો. નંબર માટેની લિલામી 22 લાખથી શરૂ થઈ હતી અને 7 કરોડ રૂપિયાએ અટકી હતી. કારની તમામ નંબર પ્લેટો કુલ 65 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. જ્યારે એક મોબાઇલ નંબર 7 કરોડ રૂપિયામાં વેચાયો હતો.