નવી દિલ્હીઃ ફ્રાન્સ પાસેથી રાફેલ જેટ ફાઇટર ખરીદવાનાં મામલે દેશમાં વિવાદ જાગ્યો છે અને સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદાની અને વિમાનોની કિંમતની વિગતો રજૂ કરી છે ત્યારે વિમાન બનાવનાર કંપની દસોલ્ટનાં સીઈઓ એરિક ટ્રેપિયરે આ સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં આક્ષેપોને ફગાવ્યા છે.
ટ્રેપિયરે એક ઇન્ટરવ્યૂમાં સોદા અંગે રાહુલે કરેલા તમામ આક્ષેપો ખોટા ગણાવ્યા હતા. ટ્રેપિયરે કહ્યું કે, હું જુઠ્ઠું નથી બોલતો. મેં પહેલા જે કહ્યું હતું અને અત્યારે જે કહી રહ્યો છું તે સત્ય છે. ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાસ્વા ઓલાન્દેએ આ મામલે કરેલું નિવેદન ખોટું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.
ભારતને રાફેલ ૯ ટકા સસ્તી કિંમતે વેચાયા
ટ્રેપિયરે કહ્યું કે અમે ભારતને ૯ ટકા સસ્તી કિંમતે રાફેલ વિમાન વેચ્યા છે. આ સોદો સરકારથી સરકાર વચ્ચે છે. તમે જ્યારે ૧૮ ફ્લાયવેની કિંમત સાથે સરખામણી કરો છો ત્યારે ૩૬ વિમાનનાં ભાવ પણ તેટલા જ છે. જો વધારે ભાવ લીધા હોત તો રાફેલ સોદાની કિંમત બમણી થઈ ગઈ હોત.
હેલ સાથે કોઈ મુશ્કેલી નહોતી
ટ્રેપિયરે કહ્યું કે, અમારે એચએએલ (હેલ) સાથે કરાર કરવામાં કોઈ સમસ્યા ન હતી. અમે હેલ અને રિલાયન્સ બંને સાથે કામ માટે તૈયાર હતા. ૧૨૬ વિમાનોનો સોદો થઈ શક્યો નહીં એટલે ૩૬ વિમાનનો સોદો કરાયો. હેલ દ્વારા ઓફસેટ માટે રસ ન દાખવાયો તે પછી રિલાયન્સ સાથે જોઇન્ટ વેન્ચર સ્થાપ્યું.
નહેરુ વખતની વાત
ટ્રેપિયરે કહ્યું કે કોંગ્રેસ સાથે કામ કરવાનો તેમનો વર્ષોનો અનુભવ છે. રાહુલનાં આક્ષેપોથી વ્યથિત થયો છું. ૧૯૫૩માં જ્યારે જવાહરલાલ નહેરુ વડા પ્રધાન હતા ત્યારે અમે ભારત સાથે પહેલો વિદેશી સોદો કર્યો હતો. નહેરુએ તે વખતે અમારી કંપની પાસેથી ૭૧ ‘તુફાની’ વિમાન ખરીદ્યા હતા. અમે વર્ષોથી ભારત સરકાર સાથે કામ કરીએ છીએ કોઈ પાર્ટી સાથે નહીં. અમે ભારતીય એરફોર્સને ફાઇટર જેટ અને તેના પાર્ટ્સ આપીએ છીએ જે સંરક્ષણ માટે મહત્ત્વના છે.
જોઇન્ટ વેન્ચર
દસોલ્ટ દ્વારા અનિલ અંબાણીની કંપનીને શા માટે પસંદ કરાઈ તેવા પ્રશ્નનાં જવાબમાં ટ્રેપિયરે કહ્યું કે અમે જોઇન્ટ વેન્ચરમાં રોકાણ કર્યું છે. અનિલ અંબાણીની કંપનીમાં નહીં. આ પૈસા સીધા રિલાયન્સ ડિફેન્સમાં નથી જવાનાં તે એક સંયુક્ત સાહસમાં જવાના છે અને અમારી કંપની દસોલ્ટ તેનો એક હિસ્સો છે. અમારી પાસે એન્જિનિયર્સ અને વર્કર્સ છે બીજી તરફ ભારતીય કંપની છે જેણે આ જોઇન્ટ વેન્ચરમાં દેશનાં વિકાસ માટે રોકાણ કર્યું છે. આનાથી રિલાયન્સ એ પણ જાણી શકશે કે વિમાન કેવી રીતે બનાવાય છે.
આગામી ૫ વર્ષમાં રૂ. ૪૦૦ કરોડનું રોકાણ
નિયમો મુજબ આ સોદામાં રિલાયન્સ ૫૧ ટકા અને દસોલ્ટ ૪૯ ટકા રોકાણ કરશે. અમે ૫૦ – ૫૦ ટકાની રીતે એકસાથે રૂ. ૮૦૦ કરોડ રોકીશું. આમ ૫ વર્ષમાં અમારું રોકાણ રૂ. ૪૦૦ કરોડ થશે.
ઓફસેટ પાર્ટનરમાં ફક્ત રિલાયન્સ નહીં
ઓફસેટ પાર્ટનરમાં ફક્ત રિલાયન્સ ડિફેન્સ જ નથી અન્ય ૩૦ ભારતીય કંપનીઓ પણ છે. ઓફસેટ માટે અમારી પાસે ૭ વર્ષ છે. ૩૦ કંપનીઓ સાથેનો કોન્ટ્રેક્ટ ઓફસેટનો ૪૦ ટકા હિસ્સો છે. જેમાં રિલાયન્સનો હિસ્સો ફક્ત ૧૦ ટકા છે બાકીનો ૩૦ ટકા હિસ્સો દસોલ્ટ અને અન્ય કંપનીઓનો છે.
રાફેલ તમામ ઉપકરણોથી સજ્જ
અમે ૨૦૧૧માં તાતા સાથે પણ વાત કરી હતી, પણ તેમાં કોઈ પ્રગતિ ન થઈ આ પછી રિલાયન્સે અનેક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પૂરા કર્યા હોવાથી અમે તેના પર પસંદગી ઉતારી. રાફેલ તમામ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. તેમાં મિસાઇલ્સ ફક્ત સરકારે મૂકવાનાં છે. મિસાઇલ્સ સિવાયના હથિયારો અન્ય કોન્ટ્રાક્ટ હેઠળ સરકારને વિમાનની સાથે જ અપાશે.