ઇસ્લામાબાદઃ તે દિવસ હતો બુધવાર, ૨૭ ફેબ્રુઆરી... સવારનો સમય હતો. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા ભીંભર જિલ્લાના રુહાન ગામમાં રહેતો મોહમ્મદ રઝાક પોતાના ઘરમાં હતો અને નવેક વાગ્યે એક વિચિત્ર અવાજ અને થોડા ધુમાડાએ તેનું ધ્યાન ખેંચ્યું. બહાર જઈને તેણે આકાશમાં નજર કરી તો બે એરક્રાફ્ટ ભડભડ સળગી રહ્યા હતા, જેમાંનું એક એલઓસી બાજુ ઊડી રહ્યું હતું અને બીજું આગની જ્વાળાઓમાં લપેટાઈને તેજ ગતિએ જમીન તરફ આવી રહ્યું હતું.
એટલામાં જ મોહમ્મદે જોયું કે તેના ઘરથી એકાદ કિલોમીટર દૂર પેરેશૂટ વડે એક પાઇલટ નીચે આવી રહ્યો છે. આ વાતની તેણે ટેલિફોન કરીને સ્થાનિક તંત્રને જાણ કરી અને પછી ગામના લોકોને ભેગા કર્યા. પાકિસ્તાની સેનાના જવાનો આવે ત્યાં સુધી તેમણે પાઇલટને પકડી રાખ્યો. પરંતુ ત્યાં સુધી તો એ પાઈલટ પુરાવાનો નાશ કરવામાં સફળ રહ્યો.
એ પાઈલટ હતો, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન. એરક્રાફ્ટ ક્રેશ થઈ જવાના કારણે તેને પેરેશૂટની મદદથી પીઓકેની ધરતી પર ઉતરવું પડ્યું હતું. પાકિસ્તાની સેનાએ તેને કબજામાં લઈ લીધો અને કબૂલ્યું પણ ખરું કે ભારતીય પાઈલટ તેમની અટકાયતમાં છે. ત્યાર પછી અભિનંદનને પાકિસ્તાનમાંથી છોડાવવા ભારત સરકારના પ્રયાસ ચાલુ થઈ ગયા અને આખો દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે. અભિનંદન પાકિસ્તાનની ધરતી પર ઉતર્યો ત્યારે તેની પાસે એક પિસ્તોલ પણ હતી.
રુહાનના ગ્રામજનોએ અભિનંદનને પકડી લીધો ત્યારે તેનો પહેલો સવાલ હતો કે, ‘આ હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન?’ આ સવાલના જવાબમાં ગ્રામજનોએ ચતુરાઈપૂર્વક કહ્યું હતું કે, ‘આ તો હિન્દુસ્તાન છે.’ ત્યાર પછી અભિનંદને ‘હિન્દુસ્તાન જિંદાબાદ...’ના નારા લગાવ્યા અને તેણે પોતાની પીઠ પર ભારે ઈજા થઈ હોવાનું જણાવીને પાણી માગ્યું. આ સમયે અભિનંદનની નારેબાજીથી નારાજ કેટલાક યુવાનોએ ‘પાકિસ્તાન આર્મી જિંદાબાદ’ના નારા લગાવ્યા. આ સાંભળીને અભિનંદને પિસ્તોલ કાઢીને હવામાં ફાયરિંગ કર્યું, જ્યારે પેલા યુવાનોએ હાથમાં પથ્થર ઉઠાવ્યા.
મોહમ્મદ રઝાકના કહેવા પ્રમાણે, આ ઘટના પછી અભિનંદને એ યુવાનો સામે પિસ્તોલ તાકીને આશરે અડધો કિલોમીટર ભાગ્યો. એ વખતે પણ તેણે યુવાનોને ડરાવવા હવામાં ફાયરિંગ કર્યું, પરંતુ તેઓ ડર્યા વિના તેની પાછળ દોડ્યા. એ વખતે અભિનંદને એક નાનકડા તળાવમાં છલાંગ મારી.
તળાવમાં કૂદતાં જ અભિનંદને ખિસ્સામાંથી કેટલાક નકશા અને દસ્તાવેજો કાઢ્યા અને ચાવી ચાવીને ગળી શકાય એટલા ગળી ગયો. આ સિવાયના કાગળ તેણે પાણીમાં ખરાબ કરી નાખ્યા. આ દરમિયાન પેલા યુવાનો તેનો પીછો કરીને અભિનંદનને પિસ્તોલ ફેંકી દેવા ધમકાવતા હતા.
એ વખતે એક યુવાને અભિનંદનના પગમાં ગોળી મારી દીધી. છેવટે અભિનંદન તળાવમાંથી બહાર નીકળ્યો અને તેણે કહ્યું કે તેને મારવો ન જોઈએ. એ વખતે યુવાનોએ તેને ઝડપી લીધો, કેટલાક તેને પીટવા લાગ્યા અને કેટલાકે તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો. એ વખતે પાકિસ્તાન સેનાના સૈનિકો ઘટના સ્થળે પહોંચ્યા અને અભિનંદનની અટકાયત કરી લીધી.
અભિનંદનની વીરતાની આ કહાની ‘ડોન’ અખબારને સંભળાવતા મોહમ્મદ રઝાકે કહ્યું કે ‘અલ્લાહનો આભાર કે ગુસ્સે થયેલા એ યુવાનોમાંથી કોઈએ એ પાઇલટને ગોળી ના મારી દીધી. સેનાના જવાનોને પણ ત્યાં પહોંચવામાં ઘણી વાર લાગી હતી.’