અને પિતાએ નવજાત પુત્રીને કરાવ્યું સ્તનપાન

Wednesday 11th July 2018 10:20 EDT
 
 

વિસ્કોન્સિનઃ કહેવાય છે કે દરેક બાળક માટે માતાનું દૂધ અમૃત હોય છે, પરંતુ આ જવાબદારી પિતા અદા કરે તો તેને શું કહેશો? જૂના જમાનામાં તો આ ઘટના એક ચમત્કાર જ ગણાઇ હોત, પરંતુ આજના યુગમાં આધુનિક વિજ્ઞાને આ અશક્ય જણાતી વાત શક્ય કરી દેખાડી છે. અમેરિકાના વિસ્કોન્સિનનો મેક્સમિલન ન્યૂબ્યુર તેની નવજાત પુત્રીને સ્તનપાન કરાવનાર (બ્રેસ્ટ ફીડ) પ્રથમ પુરુષ બન્યો છે.
મેક્સમિલનની પત્નીએ સિઝેરિયનથી બાળકીને જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન તેની હાલત એટલી કથળી કે તે તત્કાળ બાળકીને બ્રેસ્ટ ફીડ કરાવી શકે તેવી સ્થિતિમાં ન હતી. આ પછી મેક્સેમિલને સપ્લીમેન્ટ નર્સિંગ મેથડ થકી નવજાત દીકરીને દૂધ પીવડાવ્યું હતું.
મેક્સમિલને પોતાની ફેસબુક પોસ્ટમાં આ સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી છે. મેક્સમિલને સંતાનને બ્રેસ્ટ ફીડ કરાવનાર પ્રથમ પુરુષ બનવા સુધીની વાત કરી છે અને તે બદલ ગર્વ અને ઉત્સાહની લાગણી પણ વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું છે કે તેણે તમામ માતાઓને ગૌરવ અપાવવા માટે આવું કર્યું હતું.

શું હતો કિસ્સો?

મેક્સમિલનની પત્નીને પ્રસૂતિ દરમિયાન અનેક મેડિકલ કોમ્પ્લીકેશન્સ થયા હતા. આથી તબીબી ટીમે સિઝેરિયનથી બાળકનો જન્મ કરાવ્યો હતો. મેક્સમિલનની પત્ની પર આ દરમિયાન એકથી વધુ સર્જરી થઇ ચૂકી હોવાથી તે નવજાત પુત્રીને સ્તનપાન કરાવી શકે તેમ નહોતી અને નવજાત શિશુને સ્તનપાન કરાવવું જરૂરી હતું.

સમસ્યા અને સમાધાન

આ પછી નર્સ સાઈબીલ માર્ટિને સપ્લીમેન્ટ નર્સિંગ સિસ્ટમથી બાળકીને દૂધ પીવડાવાનો ઉપાય સૂચવ્યો અને તેણે મેક્સેમિલનને આ અંગે જાણકારી આપી. મેક્સેમિલન તરત સહમત થઇ ગયો અને બ્રેસ્ટ ફીડિંગ ડિવાઇસનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જેમાં બનાવટી નિપલ શીલ્ડ, ફીડિંગ ટ્યુબ, એક સિરિંજનો ઉપયોગ કરાયો હતો. આ ડિવાઈસ મેક્સમિલનના સ્તનની નીપલ સાથે જોડવામાં આવી. એક સિરિન્જ દ્વારા દૂધ આ નળીમાં ઉતારાયું. નર્સે મેક્સમિલનને સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ માટે કહ્યું ને કૃત્રિમ નીપલ વડે બાળકીએ સ્તનપાન કર્યું.

પહેલી વખત ઉપયોગ

બાળકને દત્તક લેતી માતાઓ કે જેમના સંતાનને વધારાના સપ્લીમેન્ટેશનની જરૂર હોય છે તેમને અથવા જેમના નિપલ્સ સપાટ અથવા સ્તનપાન કરાવી શકે તેમ ન હોય તેવી માતાઓ માટે આ ડિવાઇસનો ઉપયોગ કરાય છે. પરંતુ કોઇ પિતાએ તેનો ઉપયોગ કર્યો હોય તેવું પહેલી વખત બન્યું છે.
તબીબોના જણાવ્યા પ્રમાણે તેઓ ભૂતકાળમાં અનેક કિસ્સામાં પિતાઓને આ ડિવાઇસનો ઉપયોગ કરવા જણાવી ચૂક્યા છે, પરંતુ તેના ઉપયોગની તૈયારી બતાવનાર મેક્સેમિલન પહેલો છે. મેક્સમિલને અમને કહ્યું હતું કે ‘હા, હું શર્ટલેસ છું અને હું કંઇ પણ ટ્રાય કરીશ.'
ડો. માર્ટિન-ડેનેહીએ ફીડિંગ ડિવાઇસને શરીર પર હુક કરીને ગોઠવી દીધું. આ પછી નવજાત પુત્રી રોઝાલિયાનું મોં તેના પિતાના નિપલ પર મુકી દીધું અને બાળકીએ પહેલું ભોજન તેના માતા મારફતે નહીં, પરંતુ પિતા તરફથી મળ્યું હતું. મેક્સેમિલને આ સમગ્ર પ્રક્રિયાની તસ્વીરો ફેસબુક પર મુકી છે. તેની પોસ્ટને ભારે લાઇક મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter