જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં નશીલા પદાર્થોના સેવન કે તેની હેરાફેરી પર આકરો પ્રતિબંધ છે. આવા કોઇ કેસમાં સપડાયા કે સજા-એ-મોત મળી જ સમજો. ગયા મંગળવારે વિશ્વભરમાંથી ઉઠેલા વાંધા-વિરોધને નજરઅંદાજ કરીને ડ્રગના આઠ દાણચોરોને ઠાર મારવામાં આવ્યા હતા. આમાં ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને નાઇજીરિયાના નાગરિક સામેલ હતા. જોકે નવમી મહિલા અપરાધી છેલ્લી ઘડીએ બચી ગઇ! આ ‘નસીબદાર’ મહિલાનું નામ છે મેરી જેન ફિએસ્ટા વેલોસો.
મોતના સકંજામાંથી થોડીક મિનિટ પહેલા જ બચી જવાની આ ઘટના કોઇ ફિલ્મી ઘટના જેવી છે. પાંચ વર્ષ પહેલા મેરી જેન હાઉસ મેડની નોકરી કરવા ફિલિપાઇન્સથી ઇન્ડોનેશિયા આવી હતી. એરપોર્ટ પર એપ્રિલ ૨૦૧૦માં તેની ધરપકડ થઇ. ગિફ્ટ અને નવા કપડાઓથી ભરેલી તેની બેગમાં હેરોઇન ભરેલી હતી. તેને આ બેગ તેના બોયફ્રેન્ડે એમ કહીને આપી હતી કે 'રાખી લે નાની-નાની ગિફ્ટ છે, તારી નવી શરૂઆત માટે.' ધરપકડ થયા પછી બે બાળકોની માતા મેરી જેનની નવી ઓળખ ડ્રગ દાણચોરની હતી. જોકે તે સતત કહેતી રહી તેને ફસાવામાં આવી છે.
મામલો જ્યારે ફિલિપાઇન્સ પહોંચ્યો તો મેરીની મુક્તિ માટે સડકોથી માંડીને સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ થઇ. ફિલિપાઇન્સમાં તપાસમાં જાણવા મળ્યું કે મેરી હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) અને ડ્રગ્સની દાણચોરોના નેટવર્કનો ભોગ બની છે, પરંતુ તેના પુરાવા ન મળ્યા.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બેનાઇનો અકીનોએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને અંગત રીતે પણ વિનંતી કરી કે મેરીને માફ કરી દો, પરંતુ કંઇ ન થયું. ઇન્ડોનેશિયામાં ડેથ આઇલેન્ડના નામે કુખ્યાત નસ્કામબેંગાન ટાપુની બેસી જેલમાં મંગળવારે રાત્રે ૧૨ વાગે મેરીને મૃત્યુદંડની સજા આપવાનું નક્કી થઇ ગયું હતું.
આ દિવસે ફિલિપાઇન્સના પાટનગર મનિલામાં રાત્રે ૧૧ વાગે મારિયા ક્રિસ્ટીના સાર્ગિયા નામની મહિલા નેશનલ પોલીસ હેડક્વાટર્સ પહોંચી. તેણે કહ્યું - મેં અને મેરીના બોયફ્રેન્ડે મેરીનો ઉપયોગ ડ્રગની દાણચોરી કરવા માટે કર્યો છે. વસ્ત્રો અને ગિફ્ટના બહાને તેને ડ્રગ્સ ભરેલી સૂટકેસ આપી હતી.
બધી માહિતી રાષ્ટ્રપતિ અકીનોને આપવામાં આવી. અકીનોએ ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાન રેટનો મરસૌદીને ફોન કરીને કહ્યું, ‘અમને મેરી જીવિત જોઇએ. અસલ અપરાધી અમારી પાસે છે. જો તમે પોતાના દેશમાં ડ્રગ અને માનવની હેરાફેરી અટકાવવા માગો છો તો, મેરીને અલગ કરી દો. ત્યાર પછી જેલમાં મોતની રાહ જોઇ રહેલી મેરી જેનને આઠ લોકોથી અલગ કરી દેવામાં આવી.'