કાબુલઃ જો અફઘાનિસ્તાનના બળવાખોરો હિંસા અટકાવશે તો અફઘાન સરકાર ધીમે-ધીમે તાલિબાન કેદીઓને મુક્ત કરશે. લડાયકો અને સરકાર વચ્ચેની શાંતિવાર્તાને ધીમી પાડનારા વિવાદના ઉકેલની દિશામાં અગ્રેસર થઈ રહેલા અફઘાન પ્રમુખ અશરફ દાનીના પ્રવક્તાએ આમ જણાવ્યું હતું.
અગાઉ, અમેરિકાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના બે મથકોએથી એના દળો પાછા ખેંચવાનું કામ શરૂ થઈ ગયું છે. અમેરિકાના લાંબામાં લાંબા યુદ્ધનો અંત આણવા માટે ગયા મહિને અમેરિકા અને તાલીબાનો વચ્ચે દોહામાં થયેલી સમજૂતીને પગલે ઉપરોક્ત દળો પાછા ખેંચાઈ રહ્યા છે. સરકાર શુભ ચેષ્ઠાના પ્રતીકરૂપે ૧૫૦૦ તાલિબાન કેદીઓને મુક્ત કરશે. બે પક્ષો વચ્ચે મંત્રણાના આરંભ પછી વધુ ૩૫૦૦ તાલિબાન કેદીઓને છોડશે એમ પ્રમુખના પ્રવક્તા સેદિક સિદ્દીકીએ ટ્વિટ કર્યું હતું.