કાબૂલઃ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓના જૂથને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા. અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં આ ઘટના બનતા ૨૦થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાંતના સરકારી પ્રવક્તા અત્તાહુલ્લા ખોગ્યાનીએ જણાવ્યું હતું કે, અફઘાનના રાષ્ટ્રપતિ અશરફગની આ વિસ્તારમાં હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા માટે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયાના થોડા સમયમાં આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર લોકોમાં મોટા ભાગના હિંદુ અને શીખ છે. નાગરહાર પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ રાષ્ટ્રપતિને મળવા જઇ રહેલા શીખ સમુદાયની એક બસને નિશાન બનાવી હતી.
તેથી આ ઘટનામાં મોટાભાગના શીખ અને હિંદુઓના મૃત્યુ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં આતંકી સંગઠન આઇએસઆઇએસની દખલગીરી વધી રહી છે. બોંબ વિસ્ફોટને કારણ નાસભાગ મચી જવા પામી હતી. મુખાબેરાત ચોક વિસ્તારમાં દુકાનો અને ઇમારતોને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી હતી બાકી વધુ મોત નીપજ્યા હોત. અગાઉ પણ ઇસ્લામિક ગ્રૂપે હિંદુઓ અને શીખના ગ્રૂપ પર હુમલો કર્યો હતો. ઇસ્લામિક સ્ટેટ ગત વર્ષોમાં આ વિસ્તારમાં આત્મઘાતી હુમલાને અંજામ આપી ચૂક્યું છે. આ હુમલા બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.