કાબૂલ: અફઘાનિસ્તાનના બઘલાનના પાટનગર પુલ-એ-ખોમર નજીકના બાગ-એ-શામલ વિસ્તારમાં કેટલાક હથિયારબંધ લોકોએ સાત ભારતીય ઇજનેરોનાં અપહરણ કર્યાં હતાં. સ્થાનિક અધિકારીઓના મતે ઘટના પાછળ તાલિબાનોનો હાથ હોઈ શકે. અપહૃત ઇજનેરો ભારતીય કંપની કેઇસી ઇન્ટરનેશનલ લિમિટેડમાં કામ કરતા હતા. આ કંપની રૂ. ૨૨૬ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ઈલેક્ટ્રિસિટી સબસ્ટેશન પ્રોજેક્ટ માટે કામ કરે છે. કેઈસી તે વૈશ્વિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ મોરચે કામ કરી રહેલી ભારતની મોટી કંપની છે. અફઘાનિસ્તાનમાં વીજપુરવઠો પૂરો પાડવાના મોરચે તે કંપની કામ કરી રહી છે. અહેવાલ મુજબ ડ્રાઈવર સાથે ઇજનેરો સરકાર સંલાલિત પાવરસ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું હતું.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના વિષે જાણકારી મળતાં મંત્રાલય અફઘાનિસ્તાનના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. અપહરણ કોણે કર્યું છે અને ખંડણીની માગણી થઈ છે કે કેમ તે હજી જાણી શકાયું નથી. ભૂતકાળમાં તાલિબાન સંગઠન અપહરણની સંખ્યાબંધ ઘટનાને અંજામ આપી ચૂક્યું છે, પરંતુ આ વખતે કોઈ સંગઠને હજી અપહરણની ઘટના માટે દાવો કર્યો નથી. વર્ષ ૨૦૧૬માં કાબૂલમાંથી એક ભારતીય મહિલા સહાયક કાર્યકરનું અપહરણ થયું હતું, પરંતુ ૪૦ દિવસ પછી તેને મુક્ત કરાઈ હતી. ભારત અફઘાનિસ્તાનનાં અર્થતંત્રને બેઠું કરવા લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં સહાયક ભૂમિકા અદા કરી રહ્યો છે.
તાલિબાન પ્રભાવિત વિસ્તાર
સ્થાનિક અધિકારીઓ ભારતીય ઇજનેરોના અ૫હરણ પાછળ તાલિબાનીઓનો દોરીસંચાર હોવાની શંકા છે પરંતુ હજી સુધી કોઈ ત્રાસવાદી સંગઠને અપહરણની જવાબદારી નથી લીધી. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રભાવિત ઉત્તરીય વિસ્તારમાં અપહરણની આ ઘટના બની છે. બઘલાનના ગવર્નર અબદુલ્લાહ નેમાતીએ જણાવ્યું હતું કે તાલિબાનો ભારતીય ઇજનેરોનું અપહરણ કરીને તેમને પુલ-એ-ખુમરી શહેરના ડંડ-એ-શાહબુદ્દીન વિસ્તાર તરફ લઈ ગયા હતા.
નેમાતીએ કહ્યું હતું કે સ્થાનિક લોકો મુજબ સરકારી કર્મચારી હોવાનું સમજીને ભૂલથી કંપનીના કર્મચારીઓનું અપહરણ કરાયું હોઈ શકે. સ્થાનિક આદિવાસી નેતાઓની મધ્યસ્થીથી ભારતીય ઇજનેરોની મુક્તિ માટે પ્રયાસ થઈ રહ્યા છે.