કાબુલઃ અફઘાનમાં રહેતા હિંદુ, શીખ સહિતના લઘુમતીઓ પર આતંકીઓ અને કટ્ટરવાદીઓનો અત્યાચાર વધી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન આઇએસના અત્યાચારોથી ત્રાસી લઘુમતીઓ હિજરત કરવા મજબૂર છે. ૧૯૯૦ના ગાળામાં અફઘાનમાં શીખ અને હિંદુઓની વસ્તી અઢી લાખ હતી. એ ઘટીને અત્યારે ૭૦૦ થઈ છે. ૧૯૦૦ના સમયમાં તાલિબાનો તેમના પર અત્યાચાર ગુજારતા હતા અને હવે આઇએસ આતંકીઓ ત્રાસ આપે છે. અફઘાન સરકાર સાથે ભારતને ઘણા સારા સબંધો હોવા છતાં ત્યાં આ લઘુમતીઓને સલામતી પૂરી પાડી શકાઈ નથી. માર્ચમાં જ અફઘાનમાં ગુરુદ્વારા પર હુમલામાં ૨૫ શીખ માર્યા ગયા હતા. આઈસિસના આતંકીઓ ઘણા દેશમાં નબળા પડયાં છતાં અફઘાનમાં અસ્થિર સરકાર અને કેટલાક પ્રાંતમાં તાલિબાની શાસનના લીધે ફાવ્યા છે. હવે ત્રાસથી અફઘાનમાં જન્મેલા શીખો - હિંદુઓ ભારત સહિત જ્યાં જગ્યા મળે ત્યાં સ્થળાંતર કરે છે.