નવી દિલ્હી: ભારત અને સેન્ટ્રલ એશિયાના પાંચ દેશોએ અફઘાનિસ્તાનની જનતાને તાત્કાલિક માનવીય સહાય પૂરી પાડવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદીઓને શરણ આપવા, તાલીમ આપવા કે નાણાં પહોંચાડવા જેવી પ્રવૃત્તિ માટે બિલકુલ ન થવો જોઈએ.
ભારત-મધ્ય એશિયા વચ્ચેના ત્રીજા સંવાદ દરમિયાન આ દેશોએ ફરી કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં શાંતિ, સલામતી અને સ્થિરતા જળવાય તે બધાના હિતમાં છે. તેનું સાર્વભૌમત્વ જળવાય, એકતા જળવાય તે પણ એટલું જ જરૂરી છે.
ભારતના યજમાનપદે દિલ્હીમાં યોજાયેલા આ ડાયલોગ (સંવાદ)માં કઝાખસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ હાજર રહ્યા હતા. ડાયલોગ બાદ સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે અફઘાનિસ્તાનની જનતાને માનવીય સહાય તાત્કાલિક પૂરી પાડવી જોઈએ. આ દેશોએ અફઘાનિસ્તાનને માનવીય સહાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.
તમામ દેશોએ એકસૂરે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ પર સતત નજર રાખતા રહેશે અને પરસ્પર વાતચીત કરતા રહેશે. મંત્રીઓએ નોંધ્યું હતું કે તમામ દેશોએ અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દે વ્યાપક પ્રાદેશિક સર્વસંમતિ છે. અફઘાનિસ્તાનમાં ખરા અર્થમાં જનતાના તમામ વર્ગનું પ્રતિનિધિત્વ મળે, સર્વસમાવેશ સરકારનું શાસન રહે, આતંકવાદ સામે જંગ ચાલુ રહે અને ડ્રગ્સની હેરફેર અંકુશમાં રહે તેવું તમામ દેશો ઈચ્છે છે.