અબુ ધાબી: ભિખારી પાસેથી રૂપિયા બે-પાચ લાખ રૂપિયાની રકમ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ એક મહિલા ભિખારી પાસેથી તો લકઝરી કાર સહિત મોટી માત્રામાં રોકડ મળી આવ્યા છે કે વહીવટી તંત્રની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ છે. આ મામલો દુબઈના અબુ ધાબીનો છે. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ આરબ અમિરાતમાં ભીખ માંગવા પર પ્રતિબંધ છે, અને આવી સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારને ત્રણથી છ માસની કેદ અને આકરા દંડની જોગવાઇ છે. જોકે આમ છતાં કેટલાક લોકો છાના ખૂણે ભીખ માંગવાની પ્રવૃત્તિ કરતા રહેતા હોવાથી અબુ ધાબી પોલીસ છેલ્લા કેટલાક સમયથી ભીખારીઓ વિરુદ્ધ અભિયાન છેડ્યું છે.
આવા જ એક અભિયાન દરમિયાન અબુ ધાબી પોલીસે રસ્તા પર ભીખ માંગતી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી મોટી માત્રામાં રોકડ તેમજ અત્યાધુનિક લકઝરી કાર મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલી આ મહિલા મસ્જિદ સહિતના અલગ-અલગ સ્થળોએ બેસીને ભીખ માંગતી હતી અને દિવસ પૂરો થયે પોતાની લક્ઝરી કારમાં બેસીને ઘરે જતી રહેતી હતી.
આ ભિખારણ અનાયાસે જ પોલીસની ઝપટે ચઢી ગઇ છે. અબુ ધાબીમાં રહેતા એક વ્યકિતએ આ ‘ભિખારણ’ની દયાજનક હાલત જોઇને તેને થોડાંક નાણાં આપ્યા હતાં. જોકે ત્યારબાદ, તેને મહિલાની વર્તણૂંક શંકાસ્પદ જણાતાં તેણે તેનો પીછો કર્યો. તો તેને જાણવા મળ્યું કે આ મહિલા મસ્જિદ પાસે ભીખ માંગવા બેસતી, પરંતુ દિવસ પૂરો થયે તો દૂર દૂર સુધી પગપાળા ચાલતી જતી, અને પછી ત્યાં પાર્કિંગમાં પડેલી લક્ઝરી કારમાં બેસીને ઘરે પરત ફરતી હતી.
એક સમયે મહિલાની દયનીય હાલત જોઇને તેને નાણાં આપનાર વ્યક્તિએ જ પોલીસને જાણ કરી. પોલીસે મહિલાનું પગેરું દબાવ્યું, અને તેના ઘરે પહોંચીને તપાસ કરતા કરોડોની રોકડ મળી આવી હતી.
પોલીસ તપાસમાં એ પણ ખૂલ્યું કે તે મહિલા દરરોજ પોતાની લક્ઝુરિયસ કારમાં બેસીને ભીખ માંગવા જતી હતી. દૂરના સ્થળે કાર પાર્ક કરી દઇને પછી ભીખ માગવાના સ્થળે પગપાળા પહોંચતી. પોલીસે મહિલા પાસેથી મળેલી રકમનો આંકડો તો જાહેર કર્યો નથી, પરંતુ તેની સામે ગુનો નોંધીને તેની જંગી રોકડ જપ્ત કરી લીધી છે. ભિક્ષુકો સામેની ઝૂંબેશ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં અબુ ધાબી પોલીસે 158 ભિખારીઓની ધરપકડ કરી છે.