કોચીઃ અબુધાબીના શાસક પરિવારના શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાનના નેતૃત્વમાં સંચાલિત અબુધાબીની રોકાણકર્તા કંપનીએ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં રૂ. ૭૬૦૦ કરોડ (૧ અબજ ડોલર)નું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ તે લુલુ હાયપરમાર્કેટની હોલ્ડિંગ કંપની છે.
શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાન તે સંયુક્ત આરબ અમિરાતના સ્થાપક શેખ ઝાયેબ બિન સુલ્તાન અલ નહયાનના પુત્ર છે અને હાલમાં દેશનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ સંભાળી રહ્યા છે. લુલુ ગ્રુપમાં આમ પહેલી જ વાર કોઈકે રોકાણ કરીને ભારતીય ઓપરેશનને બાદ કરતાં કંપનીના ૨૦ ટકા શેર ખરીદી લીધા છે. લુલુ ગ્રુપ મધ્ય પૂર્વ, ભારત અને પૂર્વ એશિયામાં ૧૮૮ હાયપરમાર્કેટ અને સુપરમાર્કેટનું સંચાલન કરે છે. લુલુ કંપની વિશે કહેવાય છે કે ભારત બહાર તે ભારતીયોને સૌથી વધુ સંખ્યામાં નોકરી આપી રહેલી રિટેઈલ કંપની છે. ગ્રુપમાં ૩૦,૦૦૦ ભારતીયો નોકરી કરી રહ્યાં છે.