અબુધાબી: પુરાતત્વવિદ્દોના મતે વિશ્વનું સૌથી જૂનું મનાતું મોતી અબુધાબીમાં પ્રદર્શિત કરાશે. ૮૦૦૦ વર્ષ જૂનું આ મોતી મળતાં પુરવાર થાય છે કે આવા કિંમતી ખજાનાનો વેપાર પાષાણયુગથી થતો આવ્યો છે. યુનાઇટેડ આરબ અમિરાતના પાટનગરથી દૂર મારવાહ ટાપુમાં ખોદકામ દરમિયાન આ કુદરતી મોતી એક ઓરડાના મકાનમાંથી મળી આવ્યું હતું.
અબુધાબીના સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગે કહ્યું હતું કે મોતી પરનું કેલ્શિયમ આવરણ દર્શાવે છે કે તે ઈ.સ. પૂર્વે ૫૮૦૦થી ૫૬૦૦ વર્ષ પુરાણા પાષાણ યુગનું છે. વિભાગના ચેરમેન મોહમ્મદ અલ મુબારકે કહ્યું હતું કે અબુધાબીમાંથી વિશ્વના સૌથી જૂના મોતીનું મળવું સ્પષ્ટ સંકેત છે કે અમારો હાલનો આર્થિક અને સાંસ્કૃતિક ઈતિહાસ ખૂબ ઊંડા મૂળિયા ધરાવે છે, જે પ્રાગઐતિહાસિક યુગનો છે.
અબુધાબીમાં આવેલા સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ લુવરેમાં આગામી ૩૦ ઓક્ટોબરે ‘લક્ઝરીના દસ હજાર વર્ષ’ નામનું પ્રદર્શન શરૂ થઇ રહ્યું છે, જેમાં પહેલી જ વાર ‘અબુધાબી પર્લ’ નામથી જાણીતું આ મોતી દર્શાવાશે. પુરાતત્વ નિષ્ણાતો માને છે કે સીરામિક અને અન્ય ઉત્પાદનોના બદલામાં મોતીનો વેપાર મેસોપોટેમિયા એટલે કે પૌરાણિક ઈરાક સાથે થયો હશે. તે સમયે પણ મોતીઓને દાગીનાની જેમ પહેરવામાં આવતા હશે.
આ ક્ષેત્રનો પ્રવાસ કરી ચૂકેલા ધી વેનેટિયમ જ્વેલ મર્ચન્ટ ગાસપારો બાલ્બીએ અબુધાબીના દરિયાકિનારાને ૧૬મી સદીના મોતીના સ્ત્રોત તરીકે દર્શાવ્યો હતો એમ સાંસ્કૃતિક વિભાગે જણાવ્યું હતું. એક સમયે અબુધાબીમાં મોતીનો વેપાર ધમધમતો હતો, પરંતુ ત્રીસીના દાયકામાં જાપાની કૃત્રિમ મોતીનો વેપાર ખીલી ઊઠતાં અબુધાબીના વેપારમાં મંદી આવી હતી. આ પછી વૈશ્વિક અર્થતંત્રમાં સ્પર્ધા શરૂ થઈ હતી. બાદમાં ખાડીના દેશો તેલઉદ્યોગ તરફ વળ્યા, જે હાલમાં પણ તેમના અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે.