ઓસ્લોઃ ભારતીય-અમેરિકન અભિજિત બેનર્જી, તેમના પત્ની એસ્થર ડુફલો અને માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાશે. અભિજિત પશ્ચિમ બંગાળના નિવાસી છે.
કોલકતામાં જન્મેલા અને જેએનયુમાંથી એમ.એ. કર્યા પછી ૧૯૮૩માં અમેરિકા ગયેલા અભિજિત બીજા ભારતીય મૂળના વ્યક્તિ છે કે જેમને અર્થશાસ્ત્રમાં નોબેલ મળી રહ્યું છે. આ અગાઉ ૧૯૯૮માં અમર્ત્ય સેનને આ સન્માન મળ્યું હતું. આ બન્ને પશ્ચિમ બંગાળના વતની છે.
૫૮ વર્ષના અભિજિતે ગરીબી હટાવવા પર સંશોધન કર્યું છે. તેમણે તેમના જાણીતા પુસ્તક ‘પુઅર ઇકોનોમિક્સ’માં ગરીબી હટાવવાની નીતિનો ઉલ્લેખ કર્યો છે.
મોરક્કો જેવા ડઝનેક દેશોએ તેમની નીતિ લાગુ કરીને સારા પરિણામ મેળવ્યા છે. આ માટે તેમને નોબેલ અપાઇ રહ્યો છે.
‘શશિકાંત દાસને ગવર્નર બનાવવા એ ભયાનક’
અભિજિતે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર શશિકાંત દાસની નિમણૂકને ખોટી ગણાવતા કહ્યું હતું કે આવા હોદ્દા પર દાસની નિમણૂક એ અર્થતંત્ર માટે ભયાનક હશે. સોમવારે તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં હાલત સુધરવાની આશા નથી.
‘ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે’
અભિજિત બેનરજીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. હાલના વિકાસ દરના આંકડા જોતાં નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થા પાટે ચડી જાય એવો ભરોસો રાખી શકાય એમ નથી. નોબલ પુરસ્કાર જેવા સર્વોચ્ચ સન્માન અંગે પ્રતિભાવ આપતા તેમણે કહ્યું હતું કે મેં નહોતું વિચાર્યું કે કરિયરમાં આટલું જલ્દી આ સન્માન મળશે.