સુખ અને દુઃખ જોડે જોડે હોય છે તે જ રીતે અભિશાપ અને આશીર્વાદ પણ ઘણી વખત જોડે-જોડે ચાલતા હોય છે. વિશ્વમાં દરેક વ્યક્તિની ઈચ્છા સારી ઊંચાઈ મેળવવાની હોય છે. તે માટે કસરતનો સહારો લેવામાં આવે છે પણ કેટલાક લોકો એવા પણ છે જેમની વધારે લંબાઈના આધારે મજાક ઊડાડવામાં આવે છે. અહીં વાત એક એવી મહિલાની છે જેની લંબાઈ ભારતના પહેલા પ્રોફેશનલ રેસલર ધ ગ્રેટ ખલીની સાત ફૂટ એક ઈંચની લંબાઈથી પણ વધારે છે. આ યુવતીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં ઘણી વખત સામેલ થઈ ચૂક્યું છે. તેની ઊંચાઈ 7 ફૂટ 7 ઈંચ છે. આ જે તે વિશ્વની સૌથી ઊંચી જીવિત મહિલા છે. તે વ્યવસાયે એડવોકેટ છે.
તુર્કીમાં વસતી આ મહિલાનું નામ રુમેસા ગેલ્સી છે. તેના નામે ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે. તેમાં વિશ્વની સૌથી લાંબી જીવિત કિશોરી, 4.4 ઈંચની આંગળી અને જીવિત મહિલાની સૌથી મોટી પીઠ 23.58 ઈંચની ઊંચાઈનો વર્લ્ડ રેકોર્ડ પણ સામેલ છે. આ ઉપરાંત તેના નામે સૌથી લાંબો પંજો હોવાનો પણ રેકોર્ડ છે. તેનો ડાબો હાથ 9.81 ઈંચ અને જમણો હાથ 9.55 ઈંચનો છે.
તેણે ચાલવા માટે સતત વ્હિલચેર કે લાકડીનો ઉપયોગ કરવો પડે છે. તે લંબાઈના લીધે ઝડપી ચાલી શકતી નથી. તેણે ખાવાનું પણ ધીમે ધીમે ખાવું પડે છે. તેની સાથે શ્વાસ લેવામાં અને ઊભા રહેવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
જોકે કડવી હકીકત તો એ છે કે તે વીવર સિન્ડ્રોમ નામની આનુવંશિક બીમારીનો ભોગ બની છે. તેમાં હાડકોની લંબાઈ સામાન્ય કરતાં અનેકગણી વધી જાય છે. વીવર સિન્ડ્રોમવાળા લોકો સામાન્ય રીતે ઘણા લાંબા હોય છે. તેના ચહેરાના સ્નાયુઓ પણ વધારે વિકસેલા હોય છે. ઘણા કેસોમાં લોકોને વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ બીમારીની કોઈ સારવાર નથી પણ આ સ્થિતિવાળા લોકો સ્વસ્થ જીવન જીવી શકે છે. આ ડિસઓર્ડર થાય છે ત્યારે જનીનમાં ગુણવિકાર આવે છે.
વીવર સિન્ડ્રોમમાં સામેલ જીન ઈઝેડએચટુ જીન છે. જ્યારે ઈઝેડએચટુ જીનમાં ગુણવિકાર થાય છે તો હાડકાંની વૃદ્ધિ ઝડપથી થાય છે. તેના લીધે વ્યક્તિની ઊંચાઇમાં સામાન્યથી વધારો થાય છે.