ટોક્યોઃ જાપાને દાવો કર્યો છે કે રશિયાએ તેના કુરીલ ટાપુઓ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ નીતિ અંગે વાર્ષિક અહેવાલ રજૂ કરાય છે, જેમાં આ બાબતે રશિયાની ટીકા કરાઇ છે. ‘2022 ડિપ્લોમેટિક બ્લુબુક’ નામના અહેવાલમાં છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત કોઈ દેશ સામે આવી આકરી ભાષાનો ઉપયોગ કરાયો છે. જાપાન છેલ્લા ઘણા સમયથી રશિયા પાસેથી કુરીલ ટાપુઓનો કબજો મેળવવાના પ્રયત્નો કરી રહ્યું છે પણ તેને સફળતા મળી નથી. રશિયા તેને નોર્થન ટેરિટરી તરીકે પોતાનો હિસ્સો ગણે છે. આ અગાઉ 2003માં જાપાને રશિયા માટે આવી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
આ ઉપરાંત જાપાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે દક્ષિણ કોરિયાએ તેના તાકેશિમા ટાપુ પર ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. આ ટાપુને ડોકડો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી તરફ દક્ષિણ કોરિયાએ જાપાનના આ દાવા સામે વિરોધ નોંધાવ્યો છે. આ ટાપુના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો પર અનેક વખત વિપરિત અસર પડી છે.