નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ ગનીના ભાઈ હસમત ગનીએ જણાવ્યું હતું કે અમારી પાસે તાલિબાની શાસન સ્વીકારવા સિવાય કોઈ આરો નથી. જો અશરફ ગની દેશ છોડીને ગયા ન હોત તો તેમની હત્યા થઈ ગઈ હોત. હસમત ગનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગનીને મારવાની પૂરેપૂરી યોજના બનાવાઈ ચૂકી હતી. તેને મારીને સાલેહને નેતા બનાવવાની યોજના હતી. તેમણે જણાવ્યું હતું કે સાલેહ અને તેની ટુકડી કશું કરી શકવા સમર્થ નથી. જો તે કરી શકવા સમર્થ હોત તો આ રીતે ભાગી ગઈ ન હોત. તાલિબાન આવતા આ લોકો કાબુલમાં ટકી જ ન શક્યા.
હસમત ગનીએ જણાવ્યું હતું કે અહમદશાહ મસૂદ સાથે અમે વાત કરી છે. અમારો પ્રયત્ન છે કે એક સરકાર બને. તેમાં બધા વર્ગો સામેલ થાય. ખૂનામરકી બહુ થઈ ચૂકી છે. અલગ-અલગ કબીલાઓના સરદાર પ્રયાસ કરી રહ્યા છે કે અફઘાનિસ્તાનમાં ઝડપથી એક શાસન કાયમી થાય. તેમણે જણાવ્યું હતું કે હું તાલિબાન સાથે સામેલ થઈ રહ્યો નથી, પરંતુ તેને સ્વીકાર્યા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. સમગ્ર વિશ્વએ અમારો સાથ છોડી દીધો છે. તાલિબાનનું નેતૃત્વ પાકિસ્તાનમાં સર્જાયું છે તેની અમેરિકા, યુરોપ, રશિયા, ભારત અને ચીન બધાને ખબર છે, છતાં કોઈએ કશું ન કર્યું તો અમે શું કરી શકીએ. અમે એ વાતનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાલિબાન ટૂંક સમયમાં બીજા લોકોને સાથે લઈને સરકાર બનાવે. દેશ ચલાવવા માટે તાલિબાનને પણ તાલીમબદ્ધ માણસોની જરૂર પડશે. અગાઉના સમયગાળા દરમિયાન તે સરકાર ચલાવીને સમજી ગયા હતા કે આંતરરાષ્ટ્રીય સમર્થન વગર સરકાર ચલાવવી શક્ય નથી. તેથી અમે તાલિબાન નેતાઓને સલાહ આપી છે કે તેઓ બધાને સાથે લઈને આગળ વધે.
છેલ્લા કેટલાય દિવસોમાં તાલિબાને મોટા પાયા પર અપરાધીઓને છોડી દીધા છે. તેથી હવે રસ્તા પર લૂંટફાટ કરનારા અપરાધી છે કે તાલિબાની તે જ ખબર પડતી નથી. તેથી અમે તાલિબાનને કહ્યું છે કે તેના લડાયકો માટે તે અલગ ડ્રેસ કોડ બનાવે, તેથી કોઈ ગેરસમજ ન થાય.
લોકો ઘરવખરી વેચવા મજબૂર બન્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા ચોમેર અરાજકતા ફેલાઇ છે. કાબુલના માર્ગો પર તમે જ્યાં નજર દોડાવો ત્યાં કોઇ પણ મહિલા અને બાળક નહીં મળે અને બજાર સૂના દેખાશે. લોકો ભવિષ્યને લઇને ભયભીત છે. ન ફક્ત સમાન્ય લોકો પણ વેપારી - કારોબારી વર્ગ પણ પોતાના ભવિષ્યને અંધકારમાં જોઇ રહ્યાં છે. સ્થાનિક વેપારી શહાબે જણાવ્યું કે અમે દાયકાથી યુદ્વ અને ભય જોઇ રહ્યા છીએ. તાલિબાનના આવ્યા બાદથી કોઇ ધંધો ચાલી રહ્યો નથી. લોકો તેમનાથી ડરે છે. ઘરોથી બહાર નથી આવતાં. માહોલ થોડાક જ સમયમાં બદલાઇ જાય છે. એક અઠવાડિયામાં દેશની સત્તાથી લઇને લોકો વ્યવહાર પણ બદલાઇ ગયો છે. ૨૭ વર્ષીય વેપારી તારાશી અલી રહે છે કે મેં અને મારા પોડાશીએ દુકાનો ખોલી છે કેમ કે અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માંગીએ છીએ. જીવ અને સંપત્તિને જોખણમાં મુકી દુકાન શરૂ તો કરી પણ કોઇ ગ્રાહક નથી. બ્યૂટી સલૂન, મહિલાઓના કપડાં અને આભૂષણની દુકાનો તો બંધ જ છે. ગરીબી એટલી વધી ગઇ છે કે લોકો પોતાના ઘરની વસ્તુઓ વેચી રહ્યા છે.