ઓટાવાઃ કેનેડામાં ૭૪૮ ડોક્ટરોએ સરકાર પાસે લેખિત માગ કરી છે, કે તેમનો અપાયેલો પગાર વધારો પાછો ખેંચી લેવામાં આવે. તેમને જેટલો પગાર મળે છે, તેમાં તેઓ ખુશ છે. દર્દી અને નર્સના પગારો પાછળ એ રકમ ખર્ચાય તો દેશની આરોગ્ય સિસ્ટમ સુધરશે. માટે ૨૫મી ફેબ્રુઆરીએ તબીબોએ આ અરજી સરકારને કરી હતી. આ અરજીમાં ૪૨૨ ફિઝિશિયન, ૧૫૯ રેસિડેન્ટ ડોક્ટર અને ૧૬૭ મેડિકલ સ્ટુડન્ટની સહી છે.
ડોક્ટરી એસોસિએશના આગેવાન ઈસાબેલ લેબનેકે કહ્યું હતું કે, અમારા સાથીદારો પગાર વધારાને બદલે દર્દીઓને સારી સુવિધા મળે અને બીજા મેડિકલ સ્ટાફનો પગાર વધે તેમાં રાજી છે. ક્યુબેક પ્રાંતમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વર્ષે ૪ લાખ કેનેડિનય ડોલરથી વધુ અને ફિઝિશિયનને ૩.૯૯ લાખ કેનેડિયન ડોલરની આવક મળે છે. ફેમિલી ફિઝિશિયન સરેરાશ પોણા ત્રણ લાખ કેનેડિયન ડોલર જેટલી રકમ કમાઈ લે છે. ભારતીય રૂપિયા પ્રમાણે (એક કેનેડિયન ડોલરના રૂ. ૫૦ના હિસાબે) ત્યાં ડોક્ટરો વર્ષે સવા કરોડથી માંડીને બે કરોડ રૂપિયા જેવી આવક મેળવે છે. ડોક્ટરોએ સરકારને કરેલી અપીલમાં લખ્યું છે કે અમારો પગાર પુરતો છે. પરંતુ નર્સ, ક્લાર્ક અને દરદીની સ્થિતિ દયનીય છે. નર્સ અને ક્લાર્કનો પગાર વધારો તથા દરદીઓને મળતી સર્વિસમાં વૃદ્ધિ કરો. કેમ કે છેલ્લા વર્ષોથી ક્યુબેક પ્રાંતના મેડિકલ ખર્ચમાં સરકારે થોડો ઘટાડો કર્યો છે. તેની વિપરીત અસર આરોગ્ય ક્ષેત્ર પર ન થાય એ માટે ડોક્ટરોએ આ પગલું ભર્યું હતું.